Site icon hindi.revoi.in

વિચાર વલોણું – કંટક ખીલ્યું ગુલાબ – સ્ત્રી કેળવણીના હિમાયતીની સ્મૃતિવંદના

Social Share

આ પુસ્તકમાં સ્ત્રી કેળવણીના હિમાયતી સ્વ. જયમનબહેન રામપ્રસાદ દવેના જીવનની અલપ ઝલપ વાતો પ્રગટ કરવામાં આવી છે. પ્રકાશકીય વાતમાં ‘ચારિત્ર્ય નિર્માણની યજ્ઞદેવી’ શીર્ષક અંતર્ગત મનુભાઈ પંડિત નોંધે છે કે, ‘ જયમનબહેનનું જીવન એટલે એક યોદ્ધાનું જીવન. સમાજની સંકુચિતતા, સ્વાર્થ,સત્તાલોભ, પક્ષાભિમાન, ભ્રષ્ટાચાર જેવાં કેટકેટલાં અનિષ્ટો સામે તેમને લડવું પડ્યું છે ? પણ તેઓ કેવળ લડવૈયા જ નહીં સર્જનહારા પણ છે. કન્યાવિદ્યાલય એ તેમનું અનોખું સર્જન છે.(પૃ – 3)

તા. 29 – 4 – 1918ના રોજ અમદાવાદના સાંકડીશેરીની લાખા પટેલની પોળમાં ચુસ્ત ગાંધી વિચારધારાને વરેલા શ્રી રામ પ્રસાદ દવે અને ભક્તિ પરાયણ શ્રીમતી શાંતાબહેન રા. દવેના ઘરે પુત્રીરત્નનો જન્મ થયો તે એટલે જયમનબહેન દવે.

પુસ્તકમાં પ્રારંભે સંપાદકીય ઉમળકો,જયમનબહેનનું જીવન ઘડતર કરનાર તેમના માતા – પિતાની સ્મૃતિ વંદના, સ્વામી અધ્યાત્માનંદજીના શુભાશિષ તથા વસુબહેન ભટ્ટનો શુભભાવ પ્રગટ કરેલ છે. વર્ષ પ્રમાણેની જયમનબહેનની વિવિધ જીવનભરની પ્રવૃત્તિઓ ‘જીવન તવારીખ’ અંતર્ગત આલેખી છે. બે ખંડમાં પુસ્તક વહેંચાયેલું છે, પ્રથમ ખંડમાં જયમનબહેન ‘સ્વમુખે’ પોતાના જીવનના મહત્વના પ્રસંગો – ઘટનાઓ ટૂંકમાં આલેખે છે, જ્યારે બીજા ખંડમાં સ્વજનો એ બહેન માટે પોતાની લાગણી અભિવ્યક્ત કરી છે. તે સ્વજનોમાં જયમનબહેનના પરિવારજનો, સ્નેહીજનો, મિત્રો, સાથી શિક્ષિકાઓ, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને સુંદર પ્રસંગો સહ તેમના વ્યક્તિત્વને રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

‌ આખાય પુસ્તકમાંથી પસાર થતા એક ભારતીય કર્મઠ નારી ચેતનાના અવિશ્રાન્ત પ્રયત્નોની સુવાસ સ્પર્શે છે. જે સમયમાં ‘ કન્યા કેળવણી ‘ કોઈ જાણતું નહોતું તે સમયે અભાવોની વચ્ચે પણ મણિનગર જેવા વિસ્તારમાં કન્યાશાળાની સ્થાપના કરી. કુદરતી આફતોમાં તેમજ અન્ય આપદાઓમાં સેવા માટે જયમનબહેન તન – મન – ધનથી અગ્રેસર રહ્યા હતા. તેનો એક પ્રસંગ ટાંકવો ગમશે કે તેમણે વર્ષ 1960માં ‘ ભગિની સમાજ’ નામની સંસ્થા સ્થાપી તેના દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરતાં હતાં. 1962માં ભારત – ચીન વચ્ચે જે યુધ્ધ થયું હતું તે સમયે જયમનબહેનના નેતૃત્વમાં બધી બહેનોએ ભેગા મળી રૂ. 5000/- રોકડા તથા 75 તોલા સોનુ National Defence Fund માં જમા કરાવ્યા હતા. આવો તો ઘણાં પ્રેરક પ્રસંગો પુસ્તકમાંથી વાંચતા આશ્ચર્ય પણ થાય છે કે, આવું થઈ શકે !? હા, જયમનબહેને કર્યું છે. તેમની ‘ભાવાંજલિ’ ની તો શું વાત કરું !? શાળા દ્વારા ‘ભાવાંજલિ’
‌નામક પ્રાર્થના સંપુટ તૈયાર કરવામાં આવ્યો છે. દરરોજ તેમાંથી અલગ અલગ પ્રાર્થનાઓનું ગાયન – પઠન થાય છે. વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. તેના સંસ્કારોથી અસંખ્ય દીકરીઓના જીવન સુવાસિત થયા છે તે વાત નોંધનીય છે.

જીવન પર્યન્ત જયમનબહેનને પૂ. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી, પૂ. રંગઅવધૂતજી મહારાજ, પૂ. રમણ મહર્ષિજી, પૂ. મોટા, શ્રી અરવિંદજી, પૂ. માતાજી, પૂ. ઈન્દિરાબેટીજી, પૂ. તદ્રુપાનંદજી, સ્વામી ચિન્મયાનંદજી વગેરે જેવા અનેક સંતો – મહંતોના આશીર્વાદ મળ્યા છે અને તે સૌએ પણ જયમનબહેનની આ પ્રવૃત્તિઓને સત્કારી છે.

આ પુસ્તક સ્ત્રી – સશક્તિકરણ અને મહિલાઓના ઉત્કર્ષ માટે મથામણ કરતાં સૌ માટે માર્ગદર્શક બની રહેશે તેમજ નવોદિત મહિલાઓ માટે પણ પથદર્શક બની રહેશે.

(પુસ્તકનું નામ :- કંટક ખીલ્યું ગુલાબ
સંપાદકો :- ડૉ. લતાબહેન સંઘવી
હરિબાળા દવે
કિંમત – અમૂલ્ય- , પૃષ્ઠ – 80
પ્રથમ આવૃત્તિ – મે, 2000
પ્રકાશક – જીવન સ્મૃતિ સ્વાધ્યાય મંદિર,
17, વસંતનગર, ભૈરવનાથ માર્ગ, મણિનગર
અમદાવાદ – 380008)

Exit mobile version