દિલ્હીના તુગલકાબાદમાં બુધવારે રાત્રે થયેલી હિંસામાં અત્યાર સુધી 91 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ ઉર્ફે રાવણનો પણ સમાવેશ થાય છે. ગુરુવારે સવારે સમગ્ર વિસ્તારને કેમ્પમાં પરિવર્તિત કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસના જવાનોની સાથે પૈરામિલિટ્રી ફોર્સને પણ તૈનાત કરવામાં આવી છે.
તુગલકાબાદ હિંસા દરમિયાન બુધવારે રાત્રે 15 થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને ડઝનબંધ વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે ધરપકડ કરાયેલા તમામ 91 આરોપીઓ પર હુલ્લડ કરવાની, સરકારી અને અંગત સંપત્તિને નુકસાન કરવાની ફરિયાદો નોંધી છે. તમામ આરોપીઓને આજે સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
તુગલકાબાદ વિસ્તારમાં રવિદાસ મંદીર તોડવાની ઘટનામાં બુધવારની સાંજે દલિત સમાજના લોકોએ રામલીલા મેદાનમાં મોટુ પ્રદર્શન કર્યુ હતુ, આ આંદોલનમાં દલિત સમુદાયના નેતા અને ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર હાજર રહ્યા હતા, આ ઘટના સ્થળે દિલ્હી સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ પણ સામેલ થયા હતા, વિરોધ પ્રદર્શનમાં પંજાબ,હરિયાણા,રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી દલિત સમુદાયના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ત્યાર બાદ કેટલાક કલાકો સુધી અફડાતફડી મચવા પામી હતી, રામલીલા મેદાનમાં રેલી પત્યા પછી હજારોની સંખ્યામાં દલિત સમાજના લોકો તુગલકાબાદ પહોંચ્યા હતા અને પત્થરમારો કર્યો હતો, આ હિંસા દરમિયાન 15 પોલીસ કર્મીઓ અને અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા, તેના વળતા જવાબમાં લોકોને શાંત પાડવા પોલીસ દ્રારા લાઠીચાર્જ અને કેટલાક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ સમગ્ર ઘટના બાદ હવે અહિ સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે,ભીમ આર્મીના મુખ્ય ચંદ્રશેખરની ઘરપકડ પણ કરવામાં આવી છે અને ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે સાથે સાથે બીજા કેટલાક દલિત સમાજના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે.