
કાનપુરમાં કુખ્યાત ગુનેગારને પકડવા ગયેલી પોલીસ ઉપર ધાણીફુટ ગોળીબારઃ 8 પોલીસ કર્મચારી શહીદ
દિલ્હીઃ ઉત્તરપ્રદેશના કાનપુરમાં કુખ્યાત ગુનેગારને ઝડપી લેવા ગયેલી પોલીસની ટીમ ઉપર કેટલાક શખ્સોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આરોપીઓએ કરેલા ગોળીબારમાં આઠ જેટલા પોલીસ જવાનો શહીદ થયાં હતા. આ બનાવના ઘેરા પડઘા પડ્યાં છે. તેમજ પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચૌબેપુર પોલીસ સ્ટેશનની હદના વિકરૂ ગામમાં કુખ્યાત ગુનેગાર વિકાસ દુબેને ઝડપી લેવા માટે પોલીસની ટીમ ગઈ હતી. ત્યારે કેટલાક શખ્સોએ પોલીસની ટીમ ઉપર ફાયરિંગ કર્યું હતું. જેમાં સર્કલ ઓફિસર અને 3 સબ ઇન્સપેક્ટર સહિત 8 પોલીસકર્મીઓ શહીદ થયા હતા. વિકાસ દૂબેના સાગરિતોએ ધાબા ઉપરથી પોલીસ ઉપર ફાયરિંગ કર્યું હતું. તેમજ પોલીસના હથિયારો પણ લૂંટીને ભાગી ગયા હોવાનું જાણવા મળે છે. પોલીસ ઉપર થયેલા ગોળીબારને પગલે પોલીસે પણ વળતુ ફાયરિંગ કર્યું હતું. જેમાં વિકાસ દુબેના 3 સાગરિતો ઠાર મરાયાં હતા. સમગ્ર ઘટનાને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગંભીરતાથી લઈને એસટીએફની ટીમને કાર્યવાહીના આદેશ કર્યાં છે.
ચૌબેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ટીમ ઉપર થયેલા હુમલાની ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ આરોપીઓને ઝડપી લેવા માટે જરૂરી આદેશ કર્યાં હતા. ઉત્તરપ્રદેશ પોલીસે પણ આરોપીઓને ઝડપી લેવા માટે તમામ બોર્ડર સીલ કરી દીધી છે.