Site icon Revoi.in

આ છે બેંગ્લોર પોલીસનો ચાલાક શ્વાન, ગુંડાઓમાં છે આ શ્વાનનો ભયંકર ડર

Social Share

બેંગ્લોર:  ચોરી, હત્યા અને લૂંટ સહિતના ગંભીર ગુનામાં પોલીસ તપાસમાં એફએસએલ અને ડોગ સ્કવોડની મહત્વની ભૂમિકા હોય છે. પોલીસને ગુનાનો ભેદ ઉકેલવા માટે એફએસએલ સાંયોગીક પુરાવા પુરા પાડે છે. જ્યારે ડોગ સ્કોવોડ ગુનેગારનું પગેરૂ શોધવામાં મદદ પુરી પાડે છે. ત્યારે કર્ણાટક પોલીસના ડિટેક્ટિવ સ્નિફર ડોગ ‘ટુન્ગા’એ ચોરી, હત્યા સહિત 120થી વધારે ગુનાના ભેદ ઉકેલવામાં પોલીસને મદદ કરી છે. એટલું જ નહીં ગુનેગારો પણ ટુન્ગાનું નામ પડતા ગભરાય છે.

કર્ણાટક પોલીસમાં છેલ્લા કેટલાક વર્ષોથી કાર્યરત 10 વર્ષીય ટુન્ગાએ અત્યાર સુધીમાં હત્યાના 50, ચોરીના 60 અને અન્ય લગભગ 12 કેસોને ઉકેલવામાં પોલીસની મદદ કરી છે. એટલું જ નહીં કેટલાક કેસમાં પોલીસ પાસે કોઈ કડી ન હોય તેવા સમયમાં ટુન્ગાએ ગુનેગાર સુધી પહોંચવા માટે મદદ પુરી પાડી છે. તાજેતરમાં બેંગુલુરુ નજીક થયેલી લૂંટના કેસમાં આરોપીઓ વચ્ચે ભાગ બટાઈમાં થયેલી તકરારમાં એક વ્યક્તિની હત્યા થઈ હતી. આ કેસમાં પોલીસ પાસે કોઈ મહત્વની કડી ન હતી. ત્યારે પોલીસે ટુન્ગા અને તેના હેન્ડલર હેડ કોન્સ્ટેબલ પ્રકાશની મદદ લીધી હતી. ટુન્ગાએ આરોપીને પકડવા માટે 11 કિમીનું અંતર કાર્યું હતું. તેમજ તેની મદદથી જ પોલીસ આરોપી સુધી પહોંચી શકી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ડિટેક્ટિવ સ્નિફર ડોગ ટુન્ગાની કામગીરીના ભરપુર વખાણ કર્યાં હતા.

કર્ણાટક પોલીસના એડિશિનલ મહાનિદેશક અમર કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, તે અમારો હીરો છે તેથી હું દાવણગેરેમાં તેને સન્માનિત કરવા માટે ગયો હતો. દાવણગેરેના પોલીસ અધીક્ષક હનુમંત રાયે જણાવ્યું કે, 10 વર્ષના ટુન્ગાએ અત્યાર સુધીમાં અનેક કેસને ઉકેલવામાં પોલીસની મદદ કરી છે.