Site icon Revoi.in

મકાન ખરીદનારાઓને રાહત, હવે પ્રેફરન્શિયલ લોકેશન અને પાર્કિંગ પર પણ 5% GST

Social Share

કેન્દ્ર સરકાર દ્વારા નિર્માણાધીન મકાનો પર જીએસટીનો એક રેટ નક્કી કરવા છતાંપણ બિલ્ડર્સ દ્વારા વિવિધ સુવિધાઓ પર અલગ-અલગ જીએસટી રેટ વસૂલવા પર જીએસટી ઓથોરિટીએ લગામ લગાવી દીધી છે. પશ્ચિમ બંગાળમાં ઓથોરિટી ઓન એડવાન્સ રૂલિંગે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે અપાર્ટમેન્ટમાં પ્રેફરન્શિયલ લોકેશન અને કાર પાર્કિંગ જેવી સુવિધાઓને ‘કોમ્પોઝિટ કન્સ્ટ્રક્શન સર્વિસ’ જ માનવામાં આવશે અને તેના પર પણ જીએસટીનો તે જ રેટ લાગશે, જે મકાન પર લાગુ થઈ રહ્યો છે.

આ નિર્ણય પછી હવે બિલ્ડરોને ઇકોનોમિકલ મકાનો સાથે સંકળાયેલી સેવાઓ પર 5% જીએસટી અને અન્ય મકાનો પર 8% જીએસટી વસૂલવાનો રહેશે. ટોચના બિલ્ડર્સ સહિત ઘણા બિલ્ડરો આ સેવાઓ પર 18 ટકા જીએસટી વસૂલી રહ્યા હતા, જ્યારે કેન્દ્ર સરકાર નિર્માણાધીન મકાનો પર લાગતા જીએસટી રેટને ઓછો કરી ચૂકી છે.

એક કન્સલ્ટિંગ ફર્મના અધિકારી જણાવે છે કે પ્રેફરન્શિયલ લોકેશન ચાર્જિસ (PLC), પાર્કિંગ ચાર્જિસ, ટ્રાન્સફર ફીસ, એક્સટર્નલ ડેવલપમેન્ટ ચાર્જિસ, ઇન્ટરનલ ડેવલપમેન્ટ ચાર્જિસ (IDC), ડોક્યુમેન્ટ ચાર્જિસ દેવા આનુષંગિક ચાર્જિસ પહેલાના સર્વિસ ટેક્સની વ્યવસ્થામાં પણ વિવાદના મુદ્દા હતા. આ ફેંસલાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ પ્રકારની સુવિધાઓ પર પણ ઓછો ટેક્સ લાગશે અને તેનો રેટ એ જ રહેશે જે મકાન પર લાગુ થાય છે. તેમણે કહ્યું, “પ્રેફરન્શિયલ ચાર્જિસ, રાઇટ ટુ યુઝ કાર પાર્કિંગ વગેરે પર લાગતા ટેક્સ મામલે પહેલા બહુ ગોરખધંધા થતા હતા, પરંતુ હવે એ સંશય દૂર થઈ ગયો છે. નિર્માણાધીન મકાનોના મામલે આવી સુવિધાઓ પર પાંચ ટકા જીએસટી લાગશે.”