નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં સતત બીજી વખત કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટીની અંદર નેતૃત્વમાં મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણીમાં હારન જવાબદારી લેતા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાજીનામાની પેશકશ કરી હતી. રાહુલ ગાંધીની પેશકશ બાદ સતત તેમને મનાવવાની કોશિશ કરવામાં આવી છે, પરંતુ રાહુલ ગાંધી પોતાના રાજીનામા પર અડગ છે. તેના પછી રાહુલ ગાંધીના સ્થાને પાર્ટીના નવા અધ્યક્ષની શોધ થઈ રહી છે.
કાર્યકારી અધ્યક્ષ
રાહુલ ગાંધીએ 25મી મેના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં રાજીનામાની પેશકશ કરી હતી. તેના પછી પાર્ટીની અંદર જ ઉથલપાથલનો તબક્કો ચાલુ છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષના પદનું સૂચન આપ્યું છે. તેની જવાબદારી હશે કે તેઓ રાહુલ ગાંધીની ઉપર જવાબદારીનો બોજો ઓછો કરશે. કાર્યકારી અધ્યક્ષ પાર્ટીના દૈનિક કામકાજ પર નજર રાખશે. જ્યારે રાહુલ ગાંધી પાર્ટીની મોટી રૂપરેખાને સાધવાની કોશિશ કરશે અને પાર્ટીની અંદર નવી ઊર્જાનો સંચાર કરવાનું કામ કરશે. પાર્ટીના નવા કાર્યકારી અધ્યક્ષના ઉમેદવાર તરીકે કેટલાક નામ સામે આ રહ્યા છે.
સચિન પાયલટ
કોંગ્રેસના કાર્યાધ્યક્ષ તરીકેની ચર્ચામાં સૌથી આગળ સચિન પાયલટનું નામ ચાલી રહ્યું છે. પાયલટ એક મુખર પ્રવક્તા છે અને વિવાદોથી દૂર રહે છે. પાયલટ માત્ર 41 વર્ષના છે, તેઓ યુવાનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરી શકે છે. સચિન પાયલટ રાજેશ પાયલટના પુત્ર છે અને તેવામાં પાર્ટીના વરિષ્ઠ નેતા તેમના તરફ આ નવી જવાબદારી માટે જોઈ રહ્યા છે. 2013માં તેમણે કોંગ્રેસને રાજસ્થાનમાં ઉભી કરવા માટેની મહત્વની ભૂમિકા નિભાવી હતી. 2018ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ રાજ્યના મુખ્યપ્રધાન પદના દાવેદાર પણ હતા. જો કે બાદમાં અશોક ગહલોતને રાજસ્થાનના મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા.
અશોક ગહલોત
જો કે રાહુલ ગાંધીએ વર્કિંગ કમિટીની બેઠકમાં અશોક ગહલોત સહીત પાર્ટીના અન્ય નેતાઓ પર પોતાના પુત્રોને આગળ વધારવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ તેમ છતાં પાર્ટીના અધ્યક્ષપદની દોડમાં અશોક ગહલોતનું નામ પણ આગળ છે. ગહલોતને અહમદ પટેલના નિકટવર્તી માનવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે અહમદ પટેલ સોનિયા ગાંધીના વિશ્વાસપાત્ર છે. ગહલોતની પાર્ટીની અંદર બૃહદ સ્વીકાર્યતા છે. કેપ્ટન અમરિન્દરસિંહ,કમલનાથ, અશોક ચવ્હાણ સાથે પણ તેમના સારા સંબંધો છે. તેમને સંગઠનના વ્યક્તિ માનવામાં આવે છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન સિવાય તેમણે પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અને પાર્ટીના સંગઠન મહાસચિવ તરીકે પણ ભૂમિકાઓ નિભાવી છે.
જ્યોતિરાદિત્ય સિંધિયા
રાહુલ ગાંધીના નિકટવર્તી જ્યોતિરાદિત્ય સિંધિયાને આ વખતે લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડયો છે. પરંતુ તેમ છથાં તેઓ પાર્ટીના કાર્યાધ્યક્ષ પદની રેસમા છે. સિંધિયા પશ્ચિમ યુપીની લોકસભા બેઠકોના પાર્ટી પ્રભારી હતા. પરંતુ રાજ્મયાં કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન બેહદ શરમજનક રહ્યું અને માત્ર એક બેઠક પર જીત પ્રાપ્ત થઈ હતી. હાલ જોવાનું એ છે કે ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ પણ શું સિંધિયાને આ જવાબદારી મળી શકે છે કે કેમ?
પ્રિયંકા ગાંધી
રાહુલ ગાંધી બાદ પાર્ટી અધ્યક્ષ તરીકે સૌથી વધારે લોકપ્રિય વિકલ્પ પ્રિયંકા ગાંધી વાડ્રાનો સામે આવ્યો છે. નહેરુ-ગાંધી પરિવારમાંથી પ્રિયંકા ગાંધી પાર્ટા કાર્યાધ્યક્ષ તરીકે એક સારો વિકલ્પ બની શકે છે. પ્રિયંકા ગાંધીને યુવા ચહેરા તરીકે જોવામાં આવે છે, તેઓ મતદાતાઓને પોતાની તરફ ખેંચે પણ છે. તેની સાથે જ પાર્ટી સામાન્ય કાર્યકર્તાઓની સાથે પણ તેમના સારા સંપર્ક છે. સૌથી સારી વાત એ હશે કે ગાંધી પરિવાર માટે પાર્ટીની કમાન પરિવારની પાસે જ રહેશે.