ઈટાવા: ઉત્તરપ્રદેશના ઈટાવામાં સોમવારે સવારે રાજધાની એક્સપ્રેસની અડફેટે આવીને ચાર પ્રવાસીઓના મોત નીપજ્યા છે.
આ ઘટના યુપીના બલરાઈ સ્ટેશનની છે. છ અન્ય લોકો દુર્ઘટનામાં ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા છે. તેમને સૈફઈ હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાવવામાં આવ્યા છે. જ્યારે ચાર મૃતકો કૌશાંબીના વતની હતા અને તેઓ સૂરત જઈ રહ્યા હતા. તેઓ ટ્રેન રોકાવાને કારણે ગરમીના કારણે ટ્રેક પર બેઠા હતા.
રેલવે સૂત્રો મુજબ, મુઝફ્ફરપુરથી મુંબઈ જઈ રહેલી અવધ એક્સપ્રેસ લગભગ છ વાગ્યે બલરાઈ સ્ટેશન પહોંચી હતી. તે વખતે કાનપુરથી દિલ્હી જઈ રહેલી રાજધાની એક્સપ્રેસને પાસ કરાવવા માટે ટ્રેનને લુપ લાઈન પર રોકવામાં આવી હતી. અવધ એક્સપ્રેસના પ્રવાસીઓ ગરમીથી બચવા માટે રેલવે ટ્રેક પર બેઠા હતા. ત્યારે રાજધાની એક્સપ્રેસ અહીંથી પસાર થઈ અને ઘણાં પ્રવાસીઓ તેની અડફેટે આવી ગયા હતા.
આ દુર્ઘટનામાં કૌશાંબી જિલ્લાના વતની જીતુ, પિન્ટૂ, સુરેન્દ્ર કુમાર અને લાલચંદ્રના મોત નીપજ્યા હતા. મૃતકો એકબીજાના સગાં થતા હતા અને કાનપુરથી તેઓ ટ્રેનમાં ચઢયા હતા. ઘટના બાદ રાજધાની એક્સપ્રેસ લગભગ દશ મિનિટ સુધી સ્ટેશન પર ઉભી રહી હતી.