નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઈલેક્ટ્રિક વાહનો પર લગાવવામાં આવેલો જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. નવો દર 1 ઓગસ્ટ – 2019થી લાગુ થશે. તેના સિવાય સ્થાનિક ઓથોરિટી દ્વારા 12 પ્રવાસીઓથી વધારેની ક્ષમતાવાળી ઈલેક્ટ્રિક બસોને હાયર કરવા પર પણ જીએસટીમાં છૂટ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
જીએશટી કાઉન્સિલની 36મી બેઠકમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કર્યું તું. આ બેઠકમાં કેન્દ્રીય નાણાં રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુર પણ હાજર હતા. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઈ-વાહનોના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા ચાહે છે.
સરકાર આ ઉદેશ્ય પ્રમાણે ઈ-વાહનો પર લગાવવામાં આવેલા જીએસટી દરને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનું એલાન કરી રહી છે. ઈ-વાહનો પર જીએસટીના દર ઓછા થવાથી ઈ-વાહનોની કિંમતમાં પણ ઘટાડો થશે.
મોદી સરકારના બીજા કાર્યકાળના શરૂ થયા બાદ 21 જૂને જીએસટી કાઉન્સિલની પહેલી બેઠક યોજાઈ હતી. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને નાણાં રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુરે જીએસટી પરિષદની બેઠકમં ભાગ લીધો હતો.
મહત્વપૂર્ણ છે કે 5 જુલાઈએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 2019ના સામાન્ય બજેટમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે મોટી ઘોષણાઓ કરી હતી. ઈલેક્ટ્રિક ગાડીઓ પર જીએસટી રેટમાં પરિવર્તન કરવનો પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો હતો. નિર્મલા સીતારમણે જીએસટી રેટ 12 ટકાથી 5 ટકા કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો.