Site icon Revoi.in

પ.બંગાળમાં હવે કોંગ્રેસ-ટીએમસીની વચ્ચે ખૂની સંઘર્ષ, ટીએમસીના ત્રણ કાર્યકર્તાઓના મોત

Social Share

કોલકત્તા: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ટીએમસી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું છે. આમા ટીએમસીના ત્રણ કાર્યકર્તાઓના મોત નીપજ્યા છે. સ્થાનિક સૂત્રો અને પોલીસ પ્રમાણે, શનિવારે સવારે ટીએમસી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ટીએમસી કાર્યકર્તા ખૈરુદ્દીન શેખ, સોહેલ રાણા અને એક અન્ય કાર્યકર્તાના મોત નીપજ્યા છે.

આના પહેલા લોકસભા ચૂંટણી પહેલા ઢોમકોલ પંચાયત સમિતિના અલ્તાફ હુસૈનની પણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના મુખ્ય આરોપીને કેટલાક દિવસો બાદ મુક્ત કરવામાં આવ્યો હતો.

જણાવવામાં આવે છે કે સોહેલ રાણા અલ્તાફ હુસૈનનો પુત્ર છે અને ખૈરુદ્દીન શેખ તેનો મોટો ભાઈ છે. આ ઘટના બાદ આખા વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓની તેનાતી કરવામાં આવી છે. કાર્યકર્તાઓના મોતની પાછળ ટીએમસીએ કોંગ્રેસનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે.

ખૈરુદ્દીનના પુત્રનું કહેવું છે કે તેઓ ઉંઘી રહ્યા હતા, ત્યારે અચાનક ઘર પર બોમ્બથી હુમલો થયો. હુમલાખોરોએ તેના પિતા પર હુમલો કર્યો. તેમણે કહ્યુ છે કે કેટલાક દિવસો પહેલા તેના કાકાની પણ હત્યા કરવામાં આવી હતી. તેણે આ હત્યાની પાછળ કોંગ્રેસનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે.

લોકસભા ચૂંટણી બાદ પ.બંગાળમાં રાજકીય હિંસા થંભવાનું નામ લઈ રહી નથી. ત્યાં સુધી કે અત્યાર સુધીમાં આવી ઘટનાઓમાં લગભગ 10 પોલિટિકલ એક્ટિવિસ્ટ કે કાર્યકર્તાઓના મોત નીપજ્યા છે. અત્યાર સુધી ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના અહેવાલ આવતા હતા. પરંતુ હવે પહેલીવાર કોંગ્રેસ અને ટીએમસીના કાર્યકર્તાઓના બાખડવાના અહેવાલ છે.

તાજેતરમાં ઉત્તર 24 પરગણા જિલ્લાના હસનાબાદમાં ભાજપના મહિલા કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અમલાની પંચાયતમાં 42 વર્ષીય સરસ્વતી દાસ પર ગુરુવારે બદમાશોએ તાબડતોબ ફાયરિંગ કરીને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ભાજપે હત્યા બદલ ટીએમસીના ગુંડાઓને જવાબદાર ઠેરવ્યા છે.

આ પહેલા સંદેશખલીના હતગાચી વિસ્તારમાં ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મામૂલી ગણાતી બાબતને લઈને શરુ થયેલા ઘર્ષણમાં ગોળીબાર થયા હતા. આ ઘટનામાં ભાજપના ત્રણથી ચાર અને ટીએમસીના પણ ત્રણ કાર્યકર્તાઓના મોતના અહેવાલ આવ્યા હતા.