- આજે સર્જિકલ સ્ટ્રાઈકની ચોથી વર્ષગાંઠ
- 45 જેટલા આતંકવાદીઓને કર્યા ઠાર
- 6 લોન્ચપેડસ થયા હતા કાર્યવાહીમાં ખાખ
દિલ્લી: દેશ સર્જિકલ સ્ટ્રાઈકની ચોથી વર્ષગાંઠ મનાવી રહ્યું છે. વર્ષ 2016માં સપ્ટેમ્બર મહિનામાં જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં એક સેના શિબિર પર થયેલ જીવલેણ હુમલાના જવાબમાં પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. રવિવારે રેડિયો સંબોધન ‘મન કી બાત’ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સર્જિકલ સ્ટ્રાઈક વિશે યાદ અપાવ્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે ચાર વર્ષ પહેલાં આ સમયે સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન દુનિયાએ આપણા સૈનિકોની હિંમત, બહાદુરી અને પરાક્રમને જોઇ હતી. આપણા બહાદુર સૈનિકોનું એક જ ધ્યેય અને લક્ષ્ય હતું, કોઈપણ કિંમતે ભારત માતા કી જય અને સન્માનનું રક્ષણ કરવું. ભારતીય સેનાના જવાનોએ પોતાના જીવનની જરા પણ ચિંતા કરી ન હતી, તે કર્તવ્ય તરફ આગળ વધતા રહ્યા અને આપણે બધા તેના સાક્ષી બન્યા કે તેઓ કેવી રીતે વિજય થઈને પરત ફર્યા અને ભારતને ગૌરવ અપાવ્યું.
27-28 સપ્ટેમ્બર 2016ની રાત્રે ભારતીય સેનાની વિશેષ દળોએ નિયંત્રણ રેખાને પાર કરી અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદીઓના લોન્ચપેડસને નષ્ટ કરી દીધા હતા અને ઉરી હુમલામાં 19 જવાનો શહીદ થયેલા જવાનોને બદલો લીધો હતો.
તે દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે જે હુમલાખોરો ભારતના વિરોધી બનીને આવે છે તે પાછા નહી જાય અને તેઓને માફ કરવામાં નહીં આવે. સૈનિકોનું બલિદાન વ્યર્થ નહીં જાય.
સર્જિકલ સ્ટ્રાઈક માટે 24 સપ્ટેમ્બરથી બિલ્ડઅપ શરૂ થયો હતો. સ્પેશ્યલ ફોર્સના જવાનોને નાઈટ વિઝન ડિવાઇસ, ટેવોર-21 અને એકે 47 અસોલ્ટ રાઇફલ્સ, રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ, શોલ્ડર ફાયર્ડ મિસાઇલ, હૈકલર, કોક પિસ્તોલ, હાઈ એક્સપ્લોજીવ ગ્રેનેડ અને પ્લાસ્ટિક એક્સપ્લોજીવ સાથે તૈયાર કરવામાં આવ્યા હતા. તેમજ 30 ટીમો હતી અને દરેક પાસે તેમના વિશિષ્ટ ગોલ હતા.
જમ્મુ કાશ્મીર અને પંજાબ બોર્ડર નજીક આવેલા ગામડામાં રહેનારા નાગરિકોને 27 સપ્ટેમ્બરની રાત્રે અન્ય સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા અને પછી ત્યાંથી સૈનિકોને મોકલવામાં આવ્યા હતા. ભારતીય સેનાના જવાનોએ જે આતંકવાદીના લોંચ પેડ્સ નષ્ટ કર્યા હતા તે લોન્ચપેડ્સ ભારતમાં આતંકવાદીઓને મોકલવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા.સૈનિકોના ઓપરેશન દરમિયાન તેમને સ્નાઈપર્સની મદદથી તટસ્થ કરવામાં આવ્યા હતા. સેનાએ એક નિવેદનમાં કહ્યું કે, ભારતે 6 લોન્ચપેડસમાં 45 જેટલા આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ લોન્ચપેડસ પર એક અઠવાડિયા અગાઉથી નજર રાખવામાં આવી હતી.
_Devanshi