શાળાઓ પાસે મળી રહેલા નશીલા પ્રદાર્થના કારણે બાળકો તેના આદી બનતા જાય છે વધુથી વધુ વિદ્યાર્થીઓ નશાની લતમાં પડતાની ચિંતા કરતા રાજ્યસભામાં એક સભ્યએ સરકારને આ આફત પર અંકુશ લાવવા નક્કર કાર્યવાહી કરવાની માંગ કરી છે ,શૂન્યકાળ સમયે આ મુદ્દા પર ચર્ચા કરતા કોંગ્રેસના ડો,ટી સુબ્બીરામી રેડ્ડીએ કહ્યું કે હાલની પરિસ્થિતીને જોતા દિલ્હીમાં અંદાજે 25 હજાર બાળકો નશીલા પ્રદાર્થનું સેવન કરી રહ્યા છે એનું એક કારણ પણ છે કે નશીલા પ્રદાર્થો શાળાઓની આસપાસથી જ સરળતાથી મળી રહે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે માત્ર આ વાત દિલ્હી પુરતી નથી પરંતુ પુરા દેશમાં અનેક બાળકો આ લતની ઝપેટમાં આવ્યા છે જે એક ચિંતાનો વિષય છે.
રેડ્ડીના મત પ્રમાણે “ચિંતા કરવાની વાત એ છે કે ડ્રગ્સનું વ્યસન અને સેવન કરતા 83 ટકા લોકો તો શિક્ષિત છે. ડ્રગ્સ માફિયા નેટવર્ક ખુબ જ મોટુ છે અને તે એક એવું નેટવર્ક છે કે રાજ્ય સરકાર આ સમસ્યાને નિયંત્રણમાં લાવી શકતી નથી”તેમણે કહ્યું કે તાજેતરમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓએ એક બેઠક યોજી હતી જેમાં એક માહિતી સિસ્ટમ્સ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ મામલે વધુમાં રેડ્ડીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન અને નાઈઝીરીયા જેવા દેશોમાંથી તસ્કરી કરીને નશીલા પ્રદાર્થો ભારતમાં લાવવામાં આવે છે તેમણે સરકાર પાસે માંગ કરી છે કે યૂવા વર્ગને બરબાદ કરનારી અને દેશની આર્થિક સ્થિતી પર નબળી અસર પાડનારી નશીલી દવાઓના ખતરાથી બચવા માટે એક વ્યાપક લાંબા ગાળાની નીતિ બનાવવી જોઈએ.
રેડ્ડીએ વધુમાં જણાવ્યું હતું કે, નશીલા દ્રવ્યોની તસ્કરી અટકાવવા માટે નાર્કોટિક્સની વિવિધ એજન્સીઓ વચ્ચે સમન્વય હોવો જોઈએ અને રાષ્ટ્રીય તપાસ એજન્સીની જેમ જ એક તપાસ એજન્સી બનાવવામાં આવે. વિવિધ પક્ષોના સભ્યોએ આ મુદ્દા સાથે પોતાના મત જોડ્યા છે.