Site icon hindi.revoi.in

અમદાવાદની જેમ સુરતમાં માર્ગો ઉપર દોડશે 150 ઈલેક્ટ્રિક બસ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણ ઘટાડવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં  પર્યાવરણની જાળવણી માટે ઇલેક્ટ્રિક બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસની સુરતમાં ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. આ બસ રંગ ઉપવન અને મકાઇ પુલ વચ્ચે દોડી હતી. જેમાં પાલિકા મેયર, કમિશ્નર સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. હવે શહેરના રસ્તાઓ પર ઇલેક્ટ્રીક બસ દોડતી જોવા મળશે.

પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા પ્રદુષણને ધ્યાનમાં રાખીને ઈ-વાહનો ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે. જેથી જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવાના દેશના 64 શહેરમાં  5595 ઇલેક્ટ્રીક બસ ફાળવવાનો નિર્ણય કરાયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 550 બસની ફાળવણી કરી હતી. જે પૈકી સુરતને 150 બસ ફાળવવામાં આવી છે. દરમિયાન સુરતમાં પ્રથમ બસ ટ્રાયલ માટે દોડાવવામાં આવી હતી. આ રંગ ઉપવન અને મક્કાઇ પુલ વચ્ચે દોડી હતી. આ ઈલેક્ટ્રીક બસ જોઈને સુરતીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આગામી દિવસોમાં સુરતના માર્ગો ઉપર તમામ બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રાયલ રનનાં કાર્યક્રમમાં પાલિકા મેયર જગદીશ પટેલ, પાલિકા કમિશ્નર બંછાનિધી પાની અને કાઉન્સિલર્સ તથા ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં હાલ મનપા દ્વારા બીઆરટીએસ રૂટ ઉપર ઈ-બસ દોડવવામાં આવી રહી છે. ત્યારે હવે આગામી દિવસોમાં સુરતના માર્ગો ઉપર પણ ઈ-બસ દોડતી જોવા મળશે.

Exit mobile version