પશ્ચિમ બંગાળના હાવડામાં ગુરૂવારે 2 મેના રોજ સેન્ટ્રલ ફોર્સ બેઝ પર ધોળા દિવસે શૂટઆઉટ કરવામાં આવ્યું. બાગાન વિસ્તારમાં ઘટેલી આ ઘટનામાં એક જવાન શહીદ થઈ ગયો, જ્યારે અન્ય 2 જવાન ઘાયલ થવાના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શહીદ જવાનની ઓળખ ભોળાનાથ દાસ તરીકે થઈ છે, જેઓ આસામ રાઇફલ્સની સાતમી બટાલિયન સાથે સંબંધ રાખતા હતા.
આરોપીની ઓળખ લક્ષ્મીકાંત બર્મન તરીકે થઈ છે, જેણે 2 ઇન્સાસ રાઇફલ્સથી 13 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. હાલ તે પોલીસની કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘાયલ થયેલા બંને જવાનોને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના કહેવા પ્રમાણે એકની હાલત નાજુક છે.
હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે શૂટઆઉટ કયા કારણે થયું. આ સંબંધે કોઈપણ પ્રકારની અધિકૃત પુષ્ટિ પણ કરવામાં આવી નથી. પ્રત્યક્ષદર્શીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, આરોપી માનસિક તણાવમાં છે. તે સતત રજા માટે અરજી કરી રહ્યો હતો, જેને ફગાવી દેવામાં આવતી હતી.
કેન્દ્રીય સુરક્ષાદળોને સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાવડા વિસ્તારમાં તહેનાત કરવામાં આવ્યા છે. ચૂંટણીની ડ્યૂટી હેઠળ કેટલાક જવાન ત્યાં છોકરીઓની સ્કૂલની પાસે પણ કેમ્પમાં તહેનાત કરવામાં આવ્યા છે, જ્યાં આ ઘટના ઘટી.