- AMTSને ત્રણ વર્ષમાં 1000 કરોડ રૂપિયાની ખોટ
- 70 લાખ અમદાવાદીઓને જાહેર પરિવહન વ્યવસ્થા આપવામાં તંત્ર નિષ્ફળ
- દર 10 હજાર અમદાવાદીઓ વચ્ચે માત્ર એક જ એએમટીએસની બસ ઉપલબ્ધ
- એએમટીએસને ખોટ, પ્રાઈવેટ ઓપરેટરોને ફાયદો ભાજપના સત્તાધીશોની ભાગીદારીનું ભ્રષ્ટાચારી મોડલ
અમદાવાદ: કોંગ્રેસે અમદાવાદમાં એએમટીએસની કથળતી જતી બસસેવાના મામલે ભાજપ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે જણાવ્યું છે કે સ્માર્ટ સિટીનું ખોટ કરતું અમદાવાદ મ્યુનિશિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ-એએમટીએસ સેવા ઘટવાની સાથે ખોટ વધારતું તંત્ર પણ થઈ ગઈ છે. એએમટીએસની ત્રણ વર્ષમાં 1000 કરોડ રૂપિયાની ખોટના નાણાંના સીધા લાભાર્થી ભાજપના પદાધિકારીઓ અને તેમના મળતિયાઓ માટે લૂંટતંત્ર હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કર્યો છે. ડૉ. મનીષ દોશીએ 70 લાખ શહેરી નાગરીકોના હિતમાં મજબૂત અસરકારક જાહેર પરિવહન વ્યવસ્થાની માગણી કરતા જણાવ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ વિભાગમાં 2015-16માં 130.40 કરોડની આવક થઈ અને રૂ. 406 કરોડનો ખર્ચ થયો. 2016-17માં 113.99 કરોડની આવક થઈ 421.51 કરોડનો ખર્ચ થયો હતો. 2017-18માં 112.81 કરોડની આવક સામે 420 કરોડ રૂપિયાનો ખર્ચ પણ થયો હતો. આમ ત્રણ વર્ષમાં અમદાવાદ ટ્રાન્સપોર્ટમાં આવક 357.2 કરોડ રૂપિયા થઈ હતી અને ખર્ચ 1248.49 કરોડ રૂપિયા થયો એઠલેકે માત્ર ત્રણ વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટે 891.29 કરોડ રૂપિયાની જંગી ખોટ કરી છે.
કોંગ્રેસ પ્રદેશના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ સવાલ પણ ઉઠાવ્યો છે કે 2000ના વર્ષ પહેલા એએમટીએસ પાસે 942 બસો પોતાની માલિકીની હતી, 2000થી 2019 સુધીમાં 83+185 બસો પોતાની માલિકીની ખરીદવામાં આવી અને હાલ પોતાની માલિકીની માત્ર 83 બસો છે, તો 102 બસો ક્યાં ગઈ? તેની સાથે એએમટીએસ પાસે 971 ડ્રાઈવર છે, જેમા 895 કાયમી છે. જ્યારે 1529 કંડક્ટરોમાંથી 987 કાયમી છે અને 509 કોન્ટ્રાક્ટ પર છે. તો 76 ડ્રાઈવર અને 41 કન્ડક્ટર કઈ રીતે કામ કરે છે, તે પ્રશ્ન ઉભો થાય છે.
કોંગ્રેસ પ્રદેશના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદની 70 લાખની વસ્તી વચ્ચે સામાન્ય દિવસોમાં રોડ પર કાર્યરત બસોની 698ની સંખ્યા હોવાનું જણાવીને કહ્યુ છે કે દર દશ હજાર અમદાવાદીઓ વચ્ચે માત્ર એક એએમટીએસ બસ છે. ત્યારે સ્માર્ટ સિટીની મોટીમોટી જાહેરાત કરનાર ભાજપ જાહેર પરિવહન વ્યવસ્થા પુરી પાડવામાં સદંતર નિષ્ફળ ગયું છે. જેને કારણે અમદાવાદની આસપાસથી અને સમગ્ર ગુજરાતમાંથી આર્થિક ઉપાર્જન, તબીબી સારવાર માટે અમદાવાદમાં દરરોજ આવતા સેંકડો લોકોને પારાવાર મુશ્કેલી પડતી હોવાનુ જણાવીને એક તરફ એએમટીએસની સતત ખોટ અને બીજી તરફ પ્રાઈવેટ કંપનીઓને મહીને 12.09 કરોડ રૂપિયાનુ ચુકવણું કરવામાં આવતું હોવાનો મામલો પણ કોંગ્રેસના પ્રવક્તાએ ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યુ છે કે આ શહેરી નાગરીકોના ખિસ્સામાંથી વ્યવસ્થિત રીતે નાણાં ખંખેરવાનું લૂંટ તંત્ર બની ગયુ છે.
કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ એએમટીએસના ખાનગીકરના સત્તાવાર આંકડા ટાંકીને જણાવ્યું છે કે વર્ષ 2012-13માં એએમટીએસના 145 રૂટ પર વર્ષના કુલ 36858288 કિ.મી. જ્યારે 2017-18માં 99 રૂટ પર 9204035 કિ.મી. જ બસ ફેરવવામાં આવી. જ્યારે ખાનગી ઓપરેટરોના લાભ માટે 2012-13માં 29 રટ પર પ્રાઈવેટ બસો 20707090 કિ.મી. અને 2017-18માં 103 રૂટો પર 42621848 કિ.મી. બસ ફેરવવામાં આવી એટલે કે એએમટીએસ પોતાના ઓનરોડ વાર્ષિક 27654253 કિ.મી.નો ઘટાડો નોંધયો છે. જ્યારે પ્રાઈવેટ ઓપરેટરોને ફાયદો થાય તે માટે 21914758 કિ.મી.નો વધારો થયો છે. આ ભાજપના સત્તાધીશોની ભાગીદારીનું વધુ એક નમૂનેદાર ભ્રષ્ટાચારી મોડલ હોવાનું પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું છે.