Site icon Revoi.in

રિપોર્ટમાં ખુલાસો: વાયુ પ્રદૂષણથી દર વર્ષે પાંચ વર્ષથી ઓછી વયના 1 લાખ બાળકોના મોત

Social Share

વિશ્વ પર્યાવરણ દિવસ પર જાહેર કરવામાં આવેલા એક અભ્યાસ પ્રમાણે, વાયુ પ્રદૂષણ એક રાષ્ટ્રીય આફતની સ્થિતિ બની ચુકી છે. તેના કારણે ભારતમાં દર વર્ષે પાંચ વર્ષથી ઓછી વયના એક લાખ બાળકોના જીવ જઈ રહ્યા છે અને આ દેશમાં થનારા 12.5 ટકા મોત માટે પણ જવાબદાર છે.

પર્યાવરણ થિક ટેન્ક સીએસઈના સ્ટેટ ઓફ ઈન્ડિયાઝ એન્વાયરોન્મેન્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રદૂષિત હવાને કારણે ભારતમાં 10 હજાર બાળકોમાંથી સરેરાશ 8.5 બાળકો પાંચ વર્ષના થતા પહેલા મોતને ભેંટે છે. જ્યારે બાળકીઓમાં આ ખતરો વધારે છે, કારણ કે 10 હજાર બાળકીઓમાંથી 9.6 પાંચ વર્ષની થતા પહેલા મૃત્યુ પામે છે.

સીએસઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વાયુ પ્રદૂષણ ભારતમાં થનારા 12.5 ટકા મોત માટે જવાબદાર છે. બાળકો પર તેનો પ્રભાવ એટલો જ ચિંતાજનક છે. દેશમાં ખરાબ હવાને કારણે લગભગ એક લાખ બાળકોના પાંચ વર્ષથી ઓછી વયે મોત થઈ રહ્યા છે.

થિંક ટેન્કનું કહેવું છે કે વાયુ પ્રદૂષણથી લડવાની સરકારની યોજનાઓ અત્યાર સુધી સફળ થઈ નથી અને તે તથ્યને પર્યાવરણ મંત્રાલયે પણ સ્વીકાર્યું છે. આના પહેલા વાયુ પ્રદૂષણ પર વૈશ્વિક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે 2017માં આને કારણે ભારતમાં 12 લાખથી વધુ લોકોના મોત નીપજ્યા હતા.

ગ્રીનપીસના એક રિપોર્ટ પ્રમાણે, નવી દિલ્હી આખી દુનિયામાં સૌથી વધુ પ્રદૂષિત રાજધાની ધરાવતું શહેર છે. ભારતે 2013માં સંકલ્પ કર્યો હતો કે બિન-ઈલેક્ટ્રિક વાહનોને હટાવી દેવામાં આવશે અને 2020 સુધીમાં 1.5થી 1.6 કરોડ હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક વાહનોના વેચાણનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું.

જો કે સીએસઈના રિપોર્ટ પ્રમાણે, ઈ-વાહનોની સંખ્યા મે-2019 સુધી માત્ર 2.8 લાખ હતી. જે નિર્ધારીત લક્ષ્ય કરતા પાછળ છે. આ રિપોર્ટમાં જળ, સ્વાસ્થ્ય, કચરાનું ઉત્પાદન અને નિકાલ, વનો અને વન્યજીવોને સામેલ કરવામાં આવ્યા છે.