Site icon Revoi.in

સુરતમાં પાણીનો બગાડ કરનારાઓની હવે ખેર નથીઃ 255 લોકોને નોટિસ આપી વસુલ્યો દંડ

Social Share

સુરતઃ રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યાં છે. સુરતમાં મનપા સત્તાધિશોએ પાણીનો બગાડ કરનારાઓ સામે લાલઆંખ કરી છે. મનપાએ તપાસ આરંભીને છ દિવસમાં જ પાણીનો બગાડ કરનારા 255 લોકોને નોટિસ આપીને રૂ. એક લાખનો દંડ વસુલ્યો હતો. આ ઉપરાંત 104 મિલ્કતદારોના નળ કનેકશન કાપી નાખવામાં આવ્યા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારમાં લોકો પાણી માટે રઝળપાટ કરી રહ્યાં છે. બીજી તરફ સુરત શહેરમાં લોકોને પાણીની સમસ્યાનો સામનો ન કરવો તે માટે મનપા તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મનપા સત્તાધિશો દ્વારા શહેરમાં દરરોજ 1300 એમએલડી પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પાણીના ભૂતિયા કનેકશન અને પાણીનો બગાડ કરનારાઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

સુરત મનપાના કમિશનર દ્વારા શહેરમાં સઘન ચેકીંગ કરવા માટે સાત ઝોનમાં તપાસ માટે ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન 5 દિવસમાં 104 મિલ્કતદારોના નળ જોડાણ બંધ કરવામાં આવ્યાં છે. તેમજ પાણીનો બગાડ કરનારા 255 લોકોને નોટિસ આપીને તેમની પાસેથી રૂ. એક લાખથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે.

પાણી બગાડની ફરિયાદ મળતાની સાથે જ તંત્ર દ્વારા તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અભિયાનને આગામી દિવસોમાં વધુ વેગવંતુ બનાવવામાં આવશે. મનપા તંત્ર દ્વારા શહેરીજનોને અગાઉ પાણીનો બગાડ નહીં કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી.