નવી દિલ્હી: ઈન્ટેલિજન્સ એજન્સીઓના સૂત્રોનું કહેવું છે કે લોકસભા ચૂંટણી 2019ના પરિણામો જોઈને પાકિસ્તાનમાં છૂપાયેલો અંડરવર્લ્ડ ડોનમાંથી ગ્લોબલ ટેરરીસ્ટ બની ચુકેલો દાઉદ ઈબ્રાહીમ કાસકર દહેશતમાં આવી ચુક્યો છે. ગત પાંચ વર્ષોમાં દાઉદ ઈબ્રાહીમ અને તેના ઘણાં સાથીદારોની પાંખો કાપવામાં આવ્યા બાદ ગુંગળાઈ રહેલા દાઉદ ઈબ્રાહીમને આશા હતી કે લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીની ફરીથી તાજપોશી નહીં થાય અને ડી કંપનીના સારા દિવસો આવશે. પરંતુ લોકસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ દહેશતનો સોદાગર દાઉદ ઈબ્રાહીમ દહેશતમાં છે.
સૂત્રોનો દાવો છે કે પરિણામો આવ્યા બાદ ખળભળી ઉઠેલા દાઉદ ઈબ્રાહીમે ગુરુવારે મોડી રાત્રે ઉતાવળમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના એક વરિષ્ઠ અધિકારી અને બે રિટાયર્ડ અધિકારીઓને ફોન લગાવીને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.
સૂત્રોનું કહેવું છે કે આ વાતચીત દરમિયાન તેણે મોદીની વધતી લોકપ્રિયતા સિવાય અમેરિકા અને ઈઝરાયલ જેવા દેશો સાથે પીએમ મોદીના સારા સંબંધોનો ઉલ્લેખ કર્યો અને આઈએસઆઈને તેનો જીવ બચાવવામાં મદદ કરવાની વિનવણી પણ કરી હતી.
રિટાયર્ડ આઈપીએસ પી. કે. જૈન પ્રમાણે, ભાજપની સરકારની વાપસીથી ઘણાં બધાં આંતરરાષ્ટ્રીય બદલાવ થશે. એક મજબૂત સરકાર આવવાથી પાકિસ્તાન અને દાઉદ ઈબ્રાહીમ પર મનોવૈજ્ઞાનિક દબાણ તો વધશે. પરંતુ દાઉદ આવશે કે નહીં એ આ સરકાર પર નિર્ભર કરશે કે તેઓ કઈ હદ સુધી પાકિસ્તાનની સરકાર પર દબાણ બનાવી શકશે. આમ તો ભારત સરકાર દાઉદને પાછો લાવવાની પુરજોર કોશિશ કરશે. પાકિસ્તાનના ઘણાં રહસ્યો દાઉદ પાસે છે, તો પાકિસ્તાન દ્વારા દાઉદની સોંપણી અથવા ભારતનું તેને પકડી લાવવું એક મુશ્કેલ કામગીરી તો છે. પરંતુ અશક્ય નથી. આ આગામી સમય પર બધું નિર્ભર કરે છે.
સૂત્રોનું કહેવું છે કે દાઉદને એ વાતનો ડર છે કે નરેન્દ્ર મોદી તેને પકડવા માટે કંઈપણ કરી શકે છે. તેણે આઈએસઆઈના અધિકારીઓને સચેત કર્યા છે કે નરેન્દ્ર મદી કોઈ એવા ઓપરેશનને અંજામ આપી શકે છે, જેના સંદર્ભે આઈએસઆઈને ભનક સુદ્ધા લાગી શકશે નહીં.
અંડરવર્લ્ડ ડોનને એ વાતનો પણ ખોફ છે કે અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએ અને ઈઝરાયલની ઈન્ટેલિજન્સ એજન્સી મોસાદ પણ દાઉદ ઈબ્રાહીમ વિરુદ્ધ કોઈ મોટી કાર્યવાહીમાં મોદી સરકારની મદદ કરે તેવી શક્યતા છે. આના કારણે દાઉદ ઈબ્રાહીમ પોતાની સુરક્ષાને લઈને આઈએસઆઈની સામે હવે કાલાવાલા કરવા માટે મજબૂર છે. સૂત્રો મુજબ, આઈએસઆઈના અધિકારીઓએ દાઉદ ઈબ્રાહીમને આશ્વાસન આપ્યું છે કે તે જલ્દીથી પોતાના આકાઓ સાથે એક મહત્વની બેઠક બોલાવીને આ મામલામાં નિર્ણય લેશે.
વરિષ્ઠ પત્રકાર એસ. બાલાકૃષ્ણને કહ્યુ છે કે અજીત ડોભાલ પહેલેથી જ દાઉદની ડી-કંપનીને લઈને વર્કઆઉટ કરી રહ્યા છે. મોદી સરકાર પાર્ટ-ટુ છે. તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પહોંચ બનાવી છે. દાઉદ ઈબ્રાહીમનું બચવું હવે મુશ્કેલ છે. કોઈને કોઈ એક ઓપરેશન અથવા અન્ય માર્ગ શોધીને ડી-કંપનીનું કામ તમામ થઈ શકે છે. દાઉદ ઈબ્રાહીમને પાકિસ્તાન ભારતને સોંપવામાં આનાકાની કરશે, પરંતુ આ કદાચ દાઉદને ક્યાંક બીજે જતા રહેવાની પણ સલાહ આપશે. આ પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય દેશો સાથે મળીને ભારત ગુપ્ત ઓપરેશનને પાર પાડે તેવી શક્યતા છે.
મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી ગત પાંચ વર્ષોમાં મોદી સરકાર દાઉદની ઘણી મિલ્કતોને જપ્ત કરવા સિવાય તેના ભાઈ ઈકબાલ કાસકર સહીત ઘણાં ગુર્ગાઓને પકડીને ભારતમાં લાવી ચુકી છે. તેવામાં જાણકારોનું માનવું છે કે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરની વિરુદ્ધ ગાળિયો કસાયા બાદ આગામી નિશાન દાઉદ ઈબ્રાહીમ કાસકર પણ હોવાની સંભાવના છે. આ વાતથી ખુદ દાઉદ પણ સારી રીતે વાકેફ છે અને તેના કારણે દહેશતનો સોદાગાર પાકિસ્તાનમાં આઈએસઆઈની સુરક્ષા વચ્ચે પણ દહેશતમાં છે.