Site icon Revoi.in

રામમંદિર મધ્યસ્થતા માટે કમિટીએ સુપ્રીમ કોર્ટ પાસે 15 ઓગસ્ટ સુધીનો માંગ્યો સમય, કોર્ટે આપી મંજૂરી

Social Share

નવી દિલ્હી: રામમંદિર મામલામાં મધ્યસ્થતા કમિટીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ 15 ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે મહોલત આપવા માટે હામી ભરી દીધી છે. બાબરી મસ્જિદ-રામજન્મભૂમિ મામલાની મધ્યસ્થા માટે મોકલવાના બે માસ બાદ સુપ્રીમ કોર્ટે શુક્રવારે રાજકીય દ્રષ્ટિએ સંવેદનશીલ આ મામલા પર સુનાવણી કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં આ સુનાવણી માત્ર ગણતરીની મિનિટોમાં જ સમાપ્ત થઈ ગઈ હતી. આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ ડી. વાઈ. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. અબ્દુલ નઝીરની ખંડપીઠે કરી છે.

આ મામલાના સૌહાર્દપૂર્ણ સમાધાનની સંભાવના શોધવા માટે સુપ્રીમ કોર્ટે ત્રણ સદસ્યોની મધ્યસ્થતા સમિતિની રચના કરી હતી. સમિતિએ સીલબંધ કવરમાં પોતાનો રિપોર્ટ કોર્ટને સોંપ્યો છે.

આ મામલાની જાણકારી ધરાવનારા સૂત્રોનું કહેવું છે કે વચગાળાનો રિપોર્ટ છ મેના રોજ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે, શુક્રવારે આ મામલા પર સુનાવણીની પ્રક્રિયા હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટે આઠમી માર્ચે મધ્યસ્થતા સમિતિની પાસે આ મામલો મોકલ્યો હતો.

મધ્યસ્થતા સમિતિમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એફ. એમ. આઈ. કલીફલ્લા, આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ એડવોકેટ શ્રીરામ પાંચૂના નામ સામેલ છે.

સુપ્રીમ કોર્ટના આઠમી માર્ચના આદેશ બાદ શુક્રવારે પહેલી સુનાવણી હાથ ધરાઈ હતી. આઠમી માર્ચે કોર્ટે કહ્યુ હતુ કે મધ્યસ્થતા પ્રક્રિયા એક સપ્તાહની અંદર શરૂ થશે અને સમિતિ ચાર સપ્તાહની અંદર પ્રગતિ રિપોર્ટ પ્રસ્તુત કરશે.

સુપ્રીમ કોર્ટે સમિતિને ઈન-કેમેરા પ્રોસિડિંગ અને તેને આઠ સપ્તાહની અંદર પૂર્ણ કરવા માટે નિર્દેશ આપ્યા હતા. બંધારણીય ખંડપીઠે કહ્યું હતું કે વિવાદના સંભવિત સમાધાન માટે મધ્યસ્થતાના સંદર્ભમાં કોઈ કાયદાકીય અડચણ નથી.

શરૂઆતમાં નિર્મોહી અખાડા અને યુપી સરકારને બાદ કરતા હિંદુ પક્ષકારોએ કોર્ટના સૂચનનો વિરોધ કર્યો હતો. જ્યારે મુસ્લિમ પક્ષકારો દ્વારા પ્રસ્તાવનું સમર્થન કરવામાં આવ્યું હતું. હિંદુ પક્ષકારોનો તર્ક હતો કે સમજૂતી માટે પહેલા કરવામાં આવેલા પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે મધ્યસ્થતાની કાર્યવાહી અત્યંત ગુપ્તતાની સાથે કરવી જોઈએ અને મધ્યસ્થો સહીત કોઈપણ પક્ષ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા વિચારોને ગુપ્ત રાખવા જોઈએ તથા કોઈ અન્ય વ્યક્તિ સામે પ્રગટ કરવા જોઈએ નહીં.

સુપ્રીમ કોર્ટે અયોધ્યાથી લગભગ સાત કિલોમીટર દૂર યુપીના ફૈઝાબાદમાં મધ્યસ્થતાનું સ્થાન નક્કી કર્યું હતું અને કહ્યુ હતુ કે રાજ્ય સરકાર દ્વારા મધ્યસ્થોને રોકાવાનું સ્થાન, તેમની સુરક્ષા, પ્રવાસ સહીત તમામ વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કાર્યવાહી તાત્કાલિક શરૂ થઈ શકે.

મહત્વપૂર્ણ છે કે 2010માં અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં અયોધ્યામાં 2.77 એકરની વિવાદીત જમીનના ત્રણ પક્ષકારો સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લા વચ્ચે સમાનપણે વહેંચી દીધી હતી. અલ્હાબાદ હાઈકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 14 અપીલો દાખલ કરવામાં આવી છે.