અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઈને આરએસએસના નિવેદન પર જેડીયુના પ્રવક્તા કે. સી. ત્યાગીએ સંમતિ વ્યક્ત કરી છે. આરએસએસના સરકાર્યવાહ ભૈયાજી જોશીના રામમંદિર મામલે આવેલા નિવેદન પર જેડીયુના રાજ્યસભાના સાંસદ અને પાર્ટીના પ્રવક્તા કે. સી. ત્યાગીનું કહેવુ છે કે રામમંદિર નિર્માણ વિવાદને લઈને એક બાબત સ્થાયીપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે વાતચીતથી તેઓ આવી સમસ્યાનો ઉકેલ કાઢી શકતા હતા.
ત્યાગીનું કહેવુ છે કે વાજપેયી સરકારથી લઈને નરસિમ્હારાવની સરકારના કાર્યકાળોમાં દેશમાં ઘણીવાર આવા મોકા આવ્યા હતા. ત્યારે આ મામલા પર સામાન્ય સંમતિ બનાવવાની કોશિશ કરવામાં આવી હતી. પંરતુ હવે આમા વિલંબ થઈ ચુક્યો છે. હવે અદાલતના નિર્ણય સિવાય બીજો કોઈ રસ્તો નથી. તેમણે કહ્યુ છે કે મંદિર નિર્માણને લઈને તેઓ કોઈ ભવિષ્યવાણી કરવા માંગતા નથી અને કોઈની આગાહી પર વિશ્વાસ પણ કરતા નથી. મંદિર નિર્માણનો માર્ગ ખુલ્લો છે, તો તે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જ ખુલ્લો છે.
મહત્વપૂર્ણ છે કે અયોધ્યામાં રામમંદિર નિર્માણની તારીખને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ તાજેતરમાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે રામમંદિરનું નિર્માણ આજે શરૂ થશે, તો 2025માં પૂર્ણ થશે. આ નિવેદન તેમણે પોતાની પહેલાની વ્યંગાત્મક ગણાવાયેલી ટીપ્પણીના સ્પષ્ટીકરણ સ્વરૂપે આપ્યું છે. ભૈયાજી જોશીએ સ્પષ્ટીકરણ આપ્યું હતું કે તેમની ઈચ્છા છે કે 2025 સુધી અયોધ્યામાં રામમંદિર બની જાય. તેમણે 2025માં નિર્માણકાર્ય શરૂ કરવાની વાત કરી નથી. આજથી નિર્માણકાર્ય શરૂ થશે, તો પાંચ વર્ષમાં બનશે.
જેડીયુના પ્રવક્તા કે. સી. ત્યાગીએ કહ્યુ છે કે સરહદ પર યુદ્ધ વગર જ જવાનોની શહાદતના મામલે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે ચિંતા વ્યક્ત કરી છે. આવી ચિંતા યોગ્ય છે.
જેડીયુના પ્રવક્તાએ કહ્યુ છે કે મોહન ભાગવતનું વક્તવ્ય ચિંતાઓથી ભરેલું છે. પાકિસ્તાનની સાથે બાર માસ આમ તો યુદ્ધ જ ચાલી રહ્યું છે અને કાશ્મીરમાં સતત ઘૂસણખોરી કરીને આતંકવાદીઓ સેના પર હુમલો કરતા રહે છે. ત્યાગીએ કહ્યુ છે કે આપણે આવા બેનામ શહીદો માટે પણ વિચારવું જોઈએ અને એવું મિકેનિઝમ વિકસિત કરવું જોઈએ કે જેથી કારણ વગરની શહાદત થાય નહીં.
તેમણે એમ પણ કહ્યુ છે કે મિલિટ્રીના મિકેનિઝ્મ પર તેઓ કોઈ ટીપ્પણી કરવા ઈચ્છતા નથી. પરંતુ ક્યાંકને ક્યાંક કોઈ ચૂક જરૂર છે. તેને કારણે તો યુદ્ધ નહીં હોવાની સ્થિતિમાં આપણા સૈનિકો પોતાની શહાદત આપી રહ્યા છે.
70 વર્ષના વિકાસ પર મોહન ભાગવતના નિવેદનને લઈને કે. સી. ત્યાગીએ પ્રતિક્રિયા આપી છે કે આ મામલામાં અટલ બિહારી વાજપેયી તેમનો આદર્શ રહ્યા છે. તેમણે 13 દિવસના વડાપ્રધાન તરીકેના તેમના પહેલા કાર્યકાળમાં ટીપ્પણી કરી હતી કે લોકસભામાં તેઓ એવા લોકોમાંથી નથી કે જેઓ એવું કહી રહ્યા છે કે ગત 50 વર્ષોમાં વિકાસ થયો નથી.
ત્યાગીએ એમ પણ કહ્યુ છે કે તેઓ જો આવું કહેવા ચાહે છે, તો ખેડૂતો, મજૂરો, વૈજ્ઞાનિકો સહીત સૌનું અપમાન થાય છે. વિકાસની ઝડપ ધીમી રહી હશે. પરંતુ વિકાસ સતત થયો છે. તેઓ એ થિયરી સાથે સંમત નથી કે ગત 70 વર્ષોમાં કંઈ થયુ નથી.