Site icon hindi.revoi.in

મોદી સરકાર સામે મમતા અને ડાબેરીઓ એક, પ.બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનના પક્ષમાં નથી યેચુરી

Social Share

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ વધી રહેલી હિંસાની ઘટનાઓ વચ્ચે રાજકીય વર્તુળોમાં રાષ્ટ્રપતિ શાસનની ચર્ચા થઈ રહી છે. ડાબેરીઓએ પ.બંગાળમાં રાષ્ટ્રપતિશાસન લગાવવાનો વિરોધ કર્યો છે. સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનને લઈને કરવામાં આવેલા સવાલનો વિરોધ કરતા કહ્યું છે કે ડાબેરી કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની તરફદારી કરતા નથી.

પ.બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓની હત્યાના મામલાઓ બાદ રાજ્યના ભાજપના પ્રભારી અને પાર્ટીના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયે કહ્યુ હતુ કે જો પરિસ્થિતિ આવી જ રહેશે, તો ભાજપ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણી કરી શકે છે.

બીજી તરફ સોમવારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સાથે ચર્ચા કરીને પશ્ચિમ બંગાળની પરિસ્થિતિ સંદર્ભે વિગતવાર જાણકારી આપી છે.

લોકસભા ચૂંટણીમાં ભાજપનો દેખાવ સારો રહ્યો છે. ભાજપનો આરોપ છે કે ચૂંટણી પરિણામો બાદ ટીએમસીના લોકો ભાજપના કાર્યકર્તાઓ પર હુમલા કરી રહ્યા છે અને રાજકીય હત્યાઓ થઈ રહી છે. જ્યારે ટીએમસી ભાજપ પર આરોપ લગાવે છે કે ભાજપના લોકો રાજકીય હત્યાઓને અંજામ આપી રહ્યા છે.

ભાજપ અને ટીએમસી બંને પક્ષોના આરોપ-પ્રત્યારોપ વચ્ચે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીની દિલ્હી મુલાકાતને કારણે રાજકીય વર્તુળોમાં રાજ્યમાં રાષ્ટ્રપતિશાસનની ચર્ચા થવા લાગી છે. રાજ્યમાં ક્યારેક ત્રણ દશકથી વધુ સમય સુધી સીપીએમની સરકાર રહી છે. સીપીએમને ખસેડીને ટીએમસીએ પશ્ચિમ બંગાળમાં સત્તા પ્રાપ્ત કરી છે. ટીએમસી અને ડાબેરીઓ એકબીજાના વિરોધી છે. પરંતુ રાષ્ટ્રપતિ શાસન લગાવવાની શક્યતાઓને જોતા ડાબેરીઓ પણ ટીએમસીને ભાજપના વિરોધમાં ટેકો આપતા દેખાઈ રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે ચૂંટણી દરમિયાન લેફ્ટે પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસીની મિલીભગત હોવાનો આરોપ લગાવ્યો હતો.

Exit mobile version