મોદી સરકારના બીજા કાર્યકાળમાં અમિત શાહ અને એસ. જયશંકરનું કેબિનેટમાં સામેલ થવું એક રીતે સરપ્રાઈઝ એલિમેન્ટ ગણવામાં આવે છે. ત્યારે મોદી સરકારના કેબિનેટમાં રાજનાથસિંહ નંબર-ટુ હોવા છતાં તેમના પુરોગામી સરકારના ગૃહ ખાતાના સ્થાને તેમને હાલની સરકારમાં સંરક્ષણ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે. જ્યારે પહેલી વખત લોકસભાની ચૂંટણી લડીને પાંચ લાખથી વધુ વોટોની સરસાઈથી જીતેલા અમિત શાહ મોદી સરકારમાં પ્રથમ વખત સામેલ થયા છે. તેમને ગૃહ મંત્રાલયની જવાબદારી મોદી સરકારે સોંપી છે.
આમ તો વડાપ્રધાન બાદ ગૃહ પ્રધાનને ભારત સરકારમાં સૌથી વધુ શક્તિશાળી માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ બીજા ક્રમાંકે રાજનાથસિંહે શપથગ્રહણ કર્યા અને બાદમાં અમિત શાહે ત્રીજા ક્રમાંકે શપથગ્રહણ કર્યા હતા. ત્યારે ચર્ચા હતી કે રાજનાથસિંહને ગૃહ પ્રધાન તરીકે યથાવત રાખીને અમિત શાહને નાણાં મંત્રાલયની જવાબદારી આપવામાં આવશે. પરંતુ ઘણાં અખબારો અને મીડિયા ચેનલો પરની ચર્ચા આના સંદર્ભે ખોટી પડી છે અને અમિત શાહ ભારતના નવા ગૃહ પ્રધાન બન્યા છે. અમિત શાહ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકારમાં પણ ગૃહ રાજ્ય પ્રધાન તરીકે ઘણી અસરકારક કામગીરી કરી ચુક્યા છે.
મોદી સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી કમલ-35એ અને કલમ-370ને નાબૂદ કરવાના વાયદા સાથે સત્તા પર આવી છે. ત્યારે આ મામલો ગૃહ મંત્રાલયની ખૂબ મોટી જવાબદારી બની જવાનો છે. ભારતની આંતરીક સુરક્ષા સામે ઈસ્લામિક આતંકવાદ, નક્સલવાદ અને પૂર્વોત્તરની કેટલીક સુરક્ષા સમસ્યાઓના સમાધાન માટે ગૃહ મંત્રાલયની કામગીરી મહત્વપૂર્ણ છે. જેને કારણે અમિત શાહની ગૃહ પ્રધાન તરીકેની નિમણૂકને ઘણી મહત્વપૂર્ણ અને આવા મામલા પર હાલની મોદી સરકારના દ્રઢનિશ્ચયી વલણના સંકેત આપનાર છે.
ગુરુવારે સાજેં સાત વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સિવાયના 57 પ્રધાનોએ પદ અને ગુપ્તતાના શપથગ્રહણ કર્યા હતા. રાજનાથસિંહ એક વરિષ્ઠ રાજનેતા છે અને ભારતની સામે આંતરીક સુરક્ષાની જેમ બાહ્ય સુરક્ષાને લઈને પણ ઘણાં પડકારો ચીન, પાકિસ્તાન અને મધ્ય એશિયાની કેટલીક બાબતોને કારણે છે. જેને કારણે રાજનાથસિંહને ભારતીય સૈન્યના આધુનિકીકરણ સાથે આવા બાહ્ય પડકારો સામે દેશની સુરક્ષા કરવાની પડકારજનક કામગીરી સોંપવામાં આવી છે.
નીતિન ગડકરીને તેમના પ્રદર્શનના આધારે ફરી એકવાર તેમની તજજ્ઞતા ધરાવતા અને ભારતના વિકાસની ગતિને જાળવી રાખવા માટે મહત્વના પરિવહન અને રાજમાર્ગ તથા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી સોંપવાં આવી છે.
મોદી સરકારના પહેલા કાર્યકાળમાં સંરક્ષણ પ્રધાન રહેલા નિર્મલા સીતારમણને બીજી ટર્મમાં નાણાં મંત્રાલય અને કોર્પોરેટ અફેર્સની જવાબદારી સોંપવામાં આવી છે. જુલાઈ માસમાં નિર્મલા સીતારમણે મોદી સરકારની બીજી ટર્મમાં પહેલું પૂર્ણ બજેટ પણ રજૂ કરવાનું છે. નિર્મલા સીતારમણનું નામ ભૂતપૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલીએ સૂચવ્યું હોવાની પણ મીડિયા વર્તુળોમાં ચર્ચા છે. નિર્મલા સીતારમણ સંરક્ષણ પ્રધાન તરીકેની કામગીરીમાં ખાસા અસરકારક સાબિત થઈ ચુક્યા છે અને નાણાં મંત્રાલયમાં પણ તેમની પાસે આવી જ કામગીરીની અપેક્ષા રાખવામાં આવી રહી છે. નાણાં મંત્રાલયની કામગીરી મોદી સરકારના બીજા કાર્યકાળમાં પણ વધુ મહત્વપૂર્ણ બનવાની છે.
એસ. જયશંકરને ભારતના નવા વિદેશ પ્રધાન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સુષ્મા સ્વરાજ વિદેશ પ્રધાન તરીકે પુરોગામી સરકારમાં ખૂબ પ્રશંસા પામ્યા હતા. પરંતુ સુષ્મા સ્વરાજ હાલની સરકારમાં પ્રધાન તરીકે સામેલ થયા નથી. તેને કારણે ભૂતપૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરને ભારત સરકારના વિદેશ પ્રધાન તરીકેની કામગીરી સોંપવામાં આવી છે. તેઓ ચીન અને અમેરિકાના રાજદૂત રહી ચુક્યા છે. ત્યારે ચીન અને અમેરિકા વચ્ચે વૈશ્વિક સ્તરે ચાલી રહેલા કૂટનીતિક તણાવ વચ્ચે ભારતના હિતોની સુરક્ષાની જવબાદારી હવે એસ. જયશંકરના સિરે આવી છે.
તો રમેશ પોખરિયાલ નિશંકને કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયને એક સંવેદનશીલ મંત્રાલય ગણવામાં આવે છે. મુરલી મનોહર જોશી હોય કે સ્મૃતિ ઈરાની હોય કે પ્રકાશ જાવડેકર માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં શૈક્ષણિક નીતિઓ સંદર્ભે કરવામાં આવેલા કેટલાક પરિવર્તનો અથવા તેના જેવી કેટલીક બાબતોને ભગવાકરણના નામે વિપક્ષોએ ખૂબ વિવાદીત બનાવવાની કોશિશ કરી હતી. હવે રમેશ પોખરિયાલ નિશંક પાસે આ મંત્રાલયની જવાબદારી છે અને તેમને નવી શૈક્ષણિક નીતિ લાગુ કરવાની એક કપરી કામગીરી પણ કરવાની છે.
રાહુલ ગાંધીને હરાવનારા સ્મૃતિ ઈરાનીને કોંગ્રેસ અધ્યક્ષના કાકી મેનકા ગાંધીનું મંત્રાલય મહિલા અને બાળ વિકાસ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. તેની સાથે જ ફાયરબ્રાન્ડ નેતા તરીકેની છબી ધરાવતા સ્મૃતિ ઈરાની પાસે ટેક્સટાઈલ વિભાગની જવાબદારી પણ આપવામાં આવી છે.
પ્રકાશ જાવડેકરને માહિતી અને પ્રસારણ વિભાગ અને ગૃહ મંત્રાલય જેવી જ કપરી કામગીરીની સંભાવના ધરાવતા કાયદા મંત્રાલયની જવાબદારી પટનાસાહિબથી શત્રુઘ્નસિંહાને હરાવનારા રવિશંકર પ્રસાદને સોંપવામાં આવી છે. કાયદા વિભાગમાં ન્યાયાધીશોની નિયુક્તિની પ્રક્રિયા, ન્યાયતંત્રના સુધારા, કલમ-370, કલમ-35એ, ટ્રિપલ તલાક, રામમંદિરનો મામલો જેવા ઘણાં કાયદાકીય મુદ્દાઓને આગામી સમયમાં જોવા પડશે. આવા મુદ્દાઓનો ગૃહ, વિદેશ અને સંરક્ષણ બાબતો પર પ્રભાવ પણ પડવાનો છે. ત્યારે રવિશંકર પ્રસાદ પાસે આ વખતના કાર્યકાળમાં બેહદ કપરી કામગીરી પાર પાડવાનો પડકાર છે.
મોદી સરકારના બીજા કાર્યકાળમાં કેબિનેટના 58 પ્રધાનોને સોંપવામાં આવેલી જવાબદારી પર એક નજર કરીએ.
પ્રધાન મંત્રાલય
1. નરેન્દ્ર મોદી (વડાપ્રધાન)
2.રાજનાથસિંહ (કેબિનેટ પ્રધાન) સંરક્ષણ
3. અમિત શાહ (કેબિનેટ પ્રધાન) ગૃહ
4. નીતિન ગડકરી (કેબિનેટ પ્રધાન) સડક પરિવહન, રાજમાર્ગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ
5. સદાનંદ ગૌડા (કેબિનેટ પ્રધાન) રસાયણ અને ખાતર
6. નિર્મલા સીતારમણ (કેબિનેટ પ્રધાન) નાણાં, કોર્પોરેટ અફેર્સ
7. રામવિલાસ પાસવાન (કેબિનેટ પ્રધાન) કન્ઝ્યૂમર અફેર્સ, ખાદ્ય અને જાહેર વિતરણ
8. નરેન્દ્રસિંહ તોમર (કેબિનેટ પ્રધાન) કૃષિ, ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ
9. રવિશંકર પ્રસાદ (કેબિનેટ પ્રધાન) કાયદા, કમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી
10. હરસિમરત કૌર બાદલ (કેબિનેટ પ્રધાન) ખાદ્ય પ્રસંસ્કરણ
11. એસ. જયશંકર (કેબિનેટ પ્રધાન) વિદેશ
12. રમેશ પોખરિયાલ નિશંક (કેબિનેટ પ્રધાન) માનવ સંસાધન વિકાસ
13. થાવરચંદ ગહલોત (કેબિનેટ પ્રધાન) સામાજિક ન્યાય
14. અર્જુન મુંડા (કેબિનેટ પ્રધાન) આદિવાસી મામલાના
15. સ્મૃતિ ઈરાની (કેબિનેટ પ્રધાન) કપડાં, મહિલા અને બાળ વિકાસ
16. હર્ષવર્ધન (કેબિનેટ પ્રધાન) આરોગ્ય , પરિવાર કલ્યાણ, વિજ્ઞાન-ટેક્નોલોજી, અર્થ સાયન્સ
17. પ્રકાશ જાવડેકર (કેબિનેટ પ્રધાન) માહિતી અને પ્રસારણ, પર્યાવરણ, ફોરેસ્ટ, ક્લાઈમેટ ચેન્જ
18. પિયૂષ ગોયલ (કેબિનેટ પ્રધાન) રેલવે , કોમર્સ અને ઈન્ડસ્ટ્રી
19. ધર્મેન્દ્ર પ્રધાન (કેબિનેટ પ્રધાન) પેટ્રોલિયમ, કુદરતી ગેસ, સ્ટીલ
20. મુખ્તાર અબ્બાસ નક્વી (કેબિનેટ પ્રધાન) લઘુમતી મામલાના
21. પ્રહલાદ જોશી (કેબિનેટ પ્રધાન) સંસદીય કાર્ય, કોલસા, માઈન્સ
22. મહેન્દ્રનાથ પાંડેય (કેબિનેટ પ્રધાન) કૌશલ વિકાસ
23. અરવિંદ સાવંત (કેબિનેટ પ્રધાન) ભારે ઉદ્યોગ, પબ્લિક એન્ટરપ્રાઈઝ
24. ગિરિરાજ સિંહ (કેબિનેટ પ્રધાન) પશુપાલન અને ડેરી વિકાસ, મત્સ્ય ઉદ્યોગ
25. ગજેન્દ્રસિંહ શેખાવત (કેબિનેટ પ્રધાન) જલ શક્તિ
26. સંતોષ ગંગવાર (રાજ્ય પ્રધાન- સ્વતંત્ર પ્રભાર) શ્રમ, રોજગાર
27. રાવ ઈન્દ્રજીતસિંહ (રાજ્ય પ્રધાન- સ્વતંત્ર પ્રભાર) પ્લાનિંગ, સ્ટેટસ્ટિક્સ, પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન
28. શ્રીપદ નાઈક (રાજ્ય પ્રધાન- સ્વતંત્ર પ્રભાર) આયુર્વેદ, યોગ, નેચરોપથી, આયુષ, સંરક્ષણ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન
29. જિતેન્દ્રસિંહ (રાજ્ય પ્રધાન- સ્વતંત્ર પ્રભાર) પીએમઓ, એટોમિક એનર્જી, સ્પેસ, પૂર્વોત્તર ક્ષેત્ર, પર્સનલ-પબ્લિક ગ્રિવેન્સિસ અને પેન્શન્સ
30. કિરણ રિજિજૂ (રાજ્ય પ્રધાન- સ્વતંત્ર પ્રભાર) ખેલ, લઘુમતી મામલાના રાજ્યકક્ષાના પ્રધાન
31. પ્રહલાદસિંહ પટેલ (રાજ્ય પ્રધાન- સ્વતંત્ર પ્રભાર) સંસ્કૃતિ, પ્રવાસન
32. આર. કે. સિંહ (રાજ્ય પ્રધાન- સ્વતંત્ર પ્રભાર) ઊર્જા, ન્યૂ અને રિન્યૂએબલ એનર્જી, કૌશલ વિકાસની રાજ્યકક્ષાની જવાબદારી
33. હરદીપસિંહ પુરી (રાજ્ય પ્રધાન- સ્વતંત્ર પ્રભાર) હાઉસિંગ, શહેરી વાકિસ, સિવિલ એવિએશન, કોમર્સ અને ઈન્ડસ્ટ્રીની રાજ્યકક્ષાની જવાબદારી
34. મનસુખ મંડાવિયા (રાજ્ય પ્રધાન- સ્વતંત્ર પ્રભાર) શિપિંગ, રસાયણ-ખાતરનો રાજ્યકક્ષાનો પ્રભાર
35. ફગ્ગનસિંહ કુલસ્તે (રાજ્ય પ્રધાન) સ્ટીલ
36. અશ્વિની ચૌબે રાજ્ય પ્રધાન) આરોગ્ય અને પરિવાર કલ્યાણ
37. જનરલ (રિટાયર) વી. કે. સિંહ (રાજ્ય પ્રધાન) સડક પરિવહન, હાઈવે
38. કૃષ્ણપાલ ગુર્જર (રાજ્ય પ્રધાન) સામાજિક ન્યાય, સશક્તિકરણ
39. દાનવે રાવસાહેબ દાદારાવ (રાજ્ય પ્રધાન) કન્ઝ્યૂમર અફેર્સ, ફૂડ અને પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન
40. જી. કિશનરેડ્ડી (રાજ્ય પ્રધાન) ગૃહ
41. પુરુષોત્તમ રૂપાલા (રાજ્ય પ્રધાન) કૃષિ, ખેડૂત કલ્યાણ
42. રામદાસ અઠાવલે (રાજ્ય પ્રધાન) સામાજિક ન્યાય, સશક્તિકરણ
43. સાધ્વી નિરંજન જ્યોતિ (રાજ્ય પ્રધાન) ગ્રામીણ વિકાસ
44. બાબુલ સુપ્રિયો (રાજ્ય પ્રધાન) પર્યાવરણ, ફોરેસ્ટ, ક્લાઈમેટ ચેન્જ
45. સંજીવકુમાર બાલિયાન (રાજ્ય પ્રધાન) પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ
46. ધોત્રે સંજય શમરાવ (રાજ્ય પ્રધાન) માનવ સંસાધન વિકાસ, કમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી
47. અનુરાગસિંહ ઠાકુર (રાજ્ય પ્રધાન) નાણાં, કોર્પોરેટ અફેર્સ
48. સુરેશ અંગાદિ (રાજ્ય પ્રધાન) રેલવે
49. નિત્યાનંદ રાય (રાજ્ય પ્રધાન) ગૃહ
50. વી. મુરલીધરન (રાજ્ય પ્રધાન) વિદેશ, સંસદીય કાર્ય
51. રેણુકા સિંહ (રાજ્ય પ્રધાન) આદિજાતિ બાબતો
52. સોમપ્રકાશ (રાજ્ય પ્રધાન) કોમર્સ, ઈન્ડસ્ટ્રી
53. રામેશ્વર તૈલી (રાજ્ય પ્રધાન) ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ
54. પ્રતાપચંદ્ર સારંગી (રાજ્ય પ્રધાન) માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ, એનિમલ હસ્બન્ડરી, ડેરી અને મત્સ્યઉદ્યોગ
55. કૈલાસ ચૌધરી (રાજ્ય પ્રધાન) કૃષિ, ખેડૂત કલ્યાણ
56. દેબાશ્રી ચૌધરી (રાજ્ય પ્રધાન) મહિલા અને બાળ વિકાસ
57. અર્જુનરામ મેઘવાલ સંસદીય કાર્ય, ભારે ઉદ્યોગ, પબ્લિક એન્ટરપ્રાઈઝ
58. રતનલાલ કટારિયા (રાજ્ય પ્રધાન) જળ શક્તિ, સામાજિક ન્યાય- સશક્તિકરણ