Site icon hindi.revoi.in

મેઘરજના 129 ગામોમાં પાણી અને ઘાસચારાની અછતઃ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગણી

Social Share

મોટી ઇસરોલ: અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં ગત ચોમાસામાં સામાન્ય વરસાદને પગલે ઉનાળાની કાળઝાળ ગરમીમાં તાલુકાના ૧૨૯ ગામોમાં પાણી અને ઘાસચારાની સ્થિતિ વિકટ બની છે. ત્યારે તાલુકાને  અછતગ્રસ્ત જાહેર કરી ઘાસ અને પાણીની સુવિધાઓ પુરી પાડવાની માંગણી ઉઠી છે.

જિલ્લામાં ગત ચોમાસ દરમિયાન સૌથી ઓછો મેઘરજ તાલુકામાં ૬૪૪ મીલીમીટર એટલેકે ૨૫.૭૮ ઇંચ વરસાદ નોધાયો હતો જેના કારણે ઉનાળાની શરૂઆત સાથે જ મેઘરજ તાલુકામાં જળ સ્તર ઘટતા તાલુકામાં આવેલા ૨૦૦થી વધુ તળાવો સુકા ભટ્ઠ બન્યા છે. જયારે કુવા બોરમાં પણ જળ સ્તર ઘટી ગયા છે જેના કારણે જિલ્લાના મેઘરજ તાલુકામાં અછત જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તાલુકાના ૧૨૯ ગામોમાં પાણીના અભાવે ઘાસચારા ની મોટી સમશ્યા ઉભી થઇ છે જેના કારણે તાલુકામાં આવેલા કુલ ૨ લાખ જેટલા પશુઓની હાલત કફોડી બની છે. હાલ તાલુકામાં ઘાસચારો નહિ મળતા પશુપાલકોને ઘાસ અન્ય જિલ્લાઓ માંથી લાવવું પડી રહ્યું છે અને મોઘા ભાવે ઘાસચારો લાવી જીલ્લાના પશુપાલકો પશુઓને બચાવવા મથામણ કરી રહ્યા છે. 

એક ગામના સરપંચ પરબતસિંહ રાઠોડએ જણાવ્યું કે ગામમાં 15 બોર તૈયાર કરવામાં આવ્યા હતા પરંતુ ભૂગર્ભ જળ નીચે ઉતરી ગયા હોવાથી તમામ બોર નિષ્ફળ ગયા છે.  પાણીની સમસ્યાને કારણે મહિલાઓ લાંબી લાઈન કરી પાણી માટે કલાકો માટે ઉભા રહે છે પણ એક ટીપું પાણી પણ નસીબ થતું નથી. ગામના ચાર ગ્રામ પંચાયતના કુવામાં પણ પાણી સુકાઈ જતા ગામથી બે કિમી દુર સંપ ખાતે પાણી લાવવું પડે છે કરોડો રૂપિયાના સંપ અહી બનાવાયા છે પણ ગામમાં કનેક્શન આપવામાં નહિ આવતા અંતરિયાળ ગામડાઓમાં ભારે તકલીફ દેખાઈ રહી છે. તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કરવા માટે પણ તાલુકાના અગ્રણીઓ અને રાજકીય નેતાઓ દ્વારા વારંવાર રજુઆતો અને આવેદન પત્રો અપાયા છે તેમ છતાં તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કરવામાં નહિ આવતા તાલુકામાં ઘાસ અને પાણીની મોટી સમસ્યા ઉભી થઇ છે ત્યારે સરકાર દ્વારા તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કરાય તેવી માંગ ખેડૂતો અને પશુપાલકો કરી રહ્યા છે.  સબ સલામતના દાવા સાથે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે તાલુકાના જે ગામોમાં પાણી ની સમશ્યા હતી તે માટે ભિલોડા પાણી પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી છે. જ્યારે ઘાસચારા અંગે પણ કહેવાનું ટાળ્યું હતું.

Exit mobile version