- ઇસરોએ ચંદ્રયાન-3 મિશન લોન્ચિંગ માટે તૈયારીઓ ચાલુ કરી
- આ મિશનમાં લેન્ડર-રોવર પણ ચંદ્રની ધરતી પર જશે
- મિશનની તૈયારી માટે નકલી ચંદ્ર પણ તૈયાર કરવામાં આવશે
ઇસરો આગામી વર્ષે મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-3ના લોન્ચિંગ માટેની તૈયારીઓ કરી રહ્યું છે. આ મિશનમાં લેન્ડર અને રોવર પણ ચંદ્રની ધરતી પર જશે. ચંદ્રની કક્ષામાં પ્રદક્ષિણા કરી રહેલા ચંદ્રયાન-2 ઓર્બીટર સાથે લેન્ડર અને રોવરનો સંપર્ક કરાવવામાં આવશે. ચંદ્રની ધરતી પર ખાડાઓમાં ચંદ્રયાન-3 લેન્ડર અને રોવર યોગ્ય રીતે ઉતરાણ કરી શકે તે માટે બેંગાલુરુથી 215 કિ.મી દૂર કવાલૂમાં નકલી ચંદ્ર તૈયાર કરવામાં આવશે.
પ્રાપ્ત અહેવાલ મુજબ, છલ્લાકેરે વિસ્તારમાં ચંદ્રના ખાડાઓ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. સપ્ટેમ્બરના પ્રારંભ સુધીમાં કંપની મળી જશે જે આ કામ પૂર્ણ કરી શકે. ચંદ્રની સપાટી પર હોય તેવા જ હૂબહૂ નકલી ખાડાઓ બનાવવા માટે 24.2 લાખ રૂપિયાનો ખર્ચ કરાશે.
નકલી ચંદ્રના ખાડાઓ 10 મીટર વ્યાસના અને 3 મીટર ઊંડા હશે. આ ચંદ્રના નકલી ખાડાઓ એ માટે બનાવવામાં આવી રહ્યા છે કે ચંદ્રયાન-3 લેન્ડર અને રોવર મૂવમેન્ટની પ્રેક્ટિસ કરી શકે. સાથે જ તેમાં લગાવવામાં આવનાર સેન્સર્સનું ટેસ્ટિંગ થઇ શકે. તેમાં લેન્ડર સેન્સર પરફોર્મન્સ ટેસ્ટ કરવામાં આવશે. તેના દ્વારા લેન્ડરની કાર્યક્ષમતાનો ખ્યાલ આવશે.
મહત્વનું છે કે, ચંદ્રયાન-2ની જેમ ચંદ્રયાન-3 મિશન પણ આગામી વર્ષે લોન્ચ કરવામાં આવશે. તેમાં મોટા ભાગના પ્રોગ્રામ ઓટોમેટેડ હશે. ઓટોમેટેડ પ્રોગ્રામ સારી રીતે સંચાલિત થઇ શકે તે માટે તેમાં અનેક સેન્સર્સ લગાવવામાં આવશે. લેન્ડરના લેન્ડિંગ સમયે ઊંચાઈ, લેન્ડિંગની જગ્યા, ઝડપ, પથ્થરોથી લેન્ડરને દૂર રાખવું વગેરે કામમાં પણ સેન્સર્સ મદદ કરશે.
(સંકેત)