Site icon hindi.revoi.in

ભારતીય સેનાએ પાકિસ્તાનના પાંચ સૈનિકો કર્યા ઠાર, 12 બંકરો પણ તબાહ

Social Share

ભારતીય સેનાએ ગત ત્રણથી ચાર દિવસોમાં પાકિસ્તાનના પાંચ સૈનિકોને ઠાર કર્યા છે. તેની સાથે જ પાકિસ્તાનના બાર જેટલા બંકરોને પણ નષ્ટ કરી દેવામાં આવ્યા છે.

પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધવિરામ ઉલ્લંઘન કરવાની હરકતોનો ભારત દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. ભારતીય સેનાએ ગત ત્રણથી ચાર દિવસોમાં પાકિસ્તાનના પાંચ સૈનિકોને ઠાર કર્યા છે. તેની સાથે જ પાકિસ્તાનના 12 બંકરોને પણ નષ્ટ કર્યા છે. ભારતીય સેનાએ એલઓસીની નજીક પુંછ સેક્ટર અને રાજૌરીમાં વળતો ગોળીબાર કર્યો છે. ભારત દ્વારા વળતો ગોળીબાર ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતના નિવેદન બાદ કરવામાં આવ્યો છે.

સેના દિવસના પ્રસંગે સૈનિકોને સંબોધિત કરતા જનરલ રાવતે કહ્યુ હતુ કે આપણે દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો છે અને શત્રુઓને મોટું નુકસાન પણ થયું છે. જનરલ રાવતે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યુ હતુ કે જો ઘૂસણખોરીની કોશિશ થશે, તો તેની સામે કડકાઈપૂર્વકની કાર્યવાહી થશે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે તેઓ એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે જમ્મુ-કાશ્મીરમાં બોર્ડર પર મનોબળ ઉંચુ રહે.

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં મંગળવારે સવારે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પાકિસ્તાન રેન્જર્સના સ્નાઈપર્સ તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં બીએસએફના એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શહીદ થઈ ગયા હતા. પાકિસ્તાની સૈનિકોએ રાજૌરી જિલ્લામાં એલઓસી નજીક ફાયરિંગ કર્યું અને મોર્ટાર શેલિંગ કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. બાદમાં ભારતીય સેના દ્વારા પણ આકરો પલટવાર કરવામાં આવ્યો હતો.

Exit mobile version