Site icon Revoi.in

ફોની@ 240 પ્રતિ કલાક: વાવાઝોડાંના ટાઈમિંગથી વિશેષજ્ઞો આશ્ચર્યચકિત

Social Share

ઓડિશાના પુરીમાં ચક્રવાતી વાવાઝોડું ફોની દસ્તક દઈ રહ્યું છે. પુરીમા લેન્ડફોલ બાદ ભારે વરસાદની સાથે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. આ વાવાઝોડાં સંદર્ભે જે વાત જાણકારોને સૌથી વધુ આશ્ચર્યચકિત કરનારી છે, તે તેનું ટાઈમિંગ છે. જાણકારોનું કહેવું છે કે આવા પ્રકારનું વાવાઝોડું સામાન્ય રીતે મોનસૂન બાદ આવે છે, પરંતુ આ વખતે આ વાવાઝોડાંની અત્યારના સમયે દસ્તક દેવી ચોંકાવનારી બાબત છે.

હવામાન વિભાગની સાથે જોડાયેલા વિશેષજ્ઞોનું કહેવું છે કે ઉનાળામાં આવા વાવાઝોડાં બેહદ ઓછા પ્રમાણમાં આવે છે, સામાન્ય રીતે મોનસૂન બાદ સપ્ટેમ્બર-નવેમ્બરમાં આવા વાવાઝોડાં આવે છે. એક રિપોર્ટ પ્રમાણે, 1965થી 2017 સુધી બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં 46 ભયાકન વાવાઝોડાં નોંધાયા છે. જેમાંથી ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે 28, સાત મેમ માસમાં અને માત્ર બે વાવાઝોડાં 1966 અને 1976માં એપ્રિલમાં આવ્યા છે. 1976 બાદ ફોની પહેલું એવું વાવાઝોડું છે, જેનું નિર્માણ એપ્રિલમાં શરૂ થયું છે.

ગત ત્રણ દશકાઓમાં પૂર્વ સમુદ્રીતટ સાથે ટકરાનારું આ ચોથું સૌથી વધુ ખતરનાક વાવાઝોડું છે. ઓડિશાએ આના પહેલા જે ભયાનક વાવાઝોડાંનો સામનો કર્યો છે, તે 1893, 1914, 1917, 1982 અને 1989માં આવેલા વાવાઝોડાં હતા. આ વાવાઝોડાં અથવા તો અહીં સમાપ્ત થયા હતા અથવા તો પશ્ચિમ બંગાળના તટવર્તી વિસ્તારો તરફ ચાલ્યા ગયા હતા. જાણકારો મુજબ, ગ્લોબલ વોર્મિંગના કારણે આપણે ભવિષ્યમાં પણ આવા પ્રકારની સ્થિતિઓનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.

જાણકારો મુજબ, ચક્રવાતની શરૂઆત જેટલી ધીમી હોય છે, તેટલી તેની અસર પણ ખતરનાક હોય છે. તેની પાછળનું કારણ એ છે કે ધીમા હોવાને કારણે ચક્રવાતને ભેજ અને ઊર્જા એકત્રિત કરવાનો સમય મળે છે અને લેન્ડફોલ બાદ તે વધુ ખતરનાક બની જાય છે.

અત્યાર સુધી આવેલા સૌથી ખતરનાક 35 ચક્રવાતી વાવાઝોડાંમાંથી 26 બંગાળની ખાડીમાંથી શરૂ થયા છે. 1999માં આવેલું સુપર સાયક્લોન, જે ઓડિશામાં 30 કલાક સુધી રહ્યું હતું. તેમાં 10 હજાર લોકો માર્યા ગયા હતા. આના પહેલા 1971માં આવા જ વાવાઝોડામં લગભગ 10 હજાર લોકો માર્યા ગયા હતા. ઓક્ટોબર-2013માં વાવાઝોડું ફેલિન અને ગત વર્ષે તિતલી સાયક્લોનના પ્રકોપથી મોટી સંખ્યામાં લોકોને બચાવવા માટે તેમને પહેલા જ સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા હતા. જો કે તેમ છતાં બંને વાવાઝોડામાં 77 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

ઓક્ટોબર-2014માં હુદહુદ નામના એક વાવાઝોડાંમાં 124 લોકોના મોત નીપજ્યા હતા. ફોની ચક્રવાતની તીવ્રતા પણ લગભગ એટલી જ જણાવાઈ રહી છે. 2017માં ઓક્ખી વાવાઝોડાંને કારણે તમિલનાડુ અને કેરળમાં 250 લોકો માર્યા ગયા હતા.

મહત્વપૂર્ણ છે કે ઓડિશામાં ફોની વાવાઝોડાએ દસ્તક દીધી છે. વાવાઝોડાંની ગંભીરતાને જોતા પહેલા જ 10 લાખથી વધારે લોકોને સુરક્ષિત ઠેકાણાઓ પર પહોંચાડવામાં આવ્યા છે. એક અનુમાન પ્રમાણે, લગભગ 10 હજાર ગામ અને 52 શહેર-કસબા આ ભયાનક વાવાઝોડાંના માર્ગમાં આવશે. 20 વર્ષમાં પહેલીવાર આટલું ભયાનક વાવાઝોડું જોવા મળ્યું છે. એનડીઆરએફની 28, ઓડિશા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેપિડ એક્શન ફોર્સની 20 યૂનિટ અને ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટની 525 લોકોની ટુકડીઓ ઓપરેશન માટે તૈયાર છે. તેના સિવાય આરોગ્ય વિભાગની 302 રેપિડ રિસ્પોન્સ ફોર્સ ટીમોને તેનાત કરવામાં આવી છે.