Site icon Revoi.in

પીએમ મોદી સાથે મમતા બેનર્જીની મુલાકાત, કુર્તો અને મિઠાઈ આપ્યા ભેંટ

Social Share

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે વડાપ્રધાન નિવાસ પહોંચ્યા હતા. તે વખતે મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મિઠાઈ અને કુર્તો ભેંટ આપ્યા હતા. આ મુલાકાતના એક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો અને મમતા બેનર્જીએ ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના આપી હતી.

મમતા બેનર્જી પહેલા વડાપ્રધાન મોદીને 17 સપ્ટેમ્બરે મળવાના હતા. જો કે બાદમાં તેમની મુલાકાત 18 સપ્ટેમ્બરે યોજાઈ હતી. મમતા બેનર્જી 20 સપ્ટેમ્બર સુધી દિલ્હીમાં છે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેમના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમો પૂર્વનિર્ધારીત હોવાને કારણે ત્યારે મમતા બેનર્જી સાથે મુલાકાત શક્ય બની ન હતી.

લોકસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જી વચ્ચે જબરદસ્ત જુબાની જંગ જોવા મળ્યો હતો. નરેન્દ્ર મોદીના કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદથી બંને નેતાઓના સંબંધોમાં ખાસો તણાવ જોવા મળ્યો છે. પરંતુ આ કડવાશ વચ્ચે પણ મમતા બેનર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વર્ષમાં એકાદ-બે કુર્તા મોકલતા રહે છે. આ વાતનો ખુલાસો ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.

લોકસભાની ચૂંટણી પહેલા આપવામાં આવેલા એક ઈન્ટરવ્યીમાં રાજકીય લોકો સાથે પોતાના સંબંધોની વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે મમતા દીદી વર્ષમાં આજે પણ મારા માટે એકાદ-બે  કુર્તા મોકલે છે.