Site icon Revoi.in

ગુજરાતમાં ધો-12 વિજ્ઞાન પ્રવાહનું 71.90 ટકા પરિણામ જાહેર

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધો-12 વિજ્ઞાન પ્રવાહનું આજે 71.90 ટકા પરિણામ જાહેર થયું હતું. આ ઉપરાંત ગુજકેટનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાનું સૌથી વધારે 84.43 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી કેન્દ્રનું સૌથી ઓછુ 29.81 ટકા પરિણામ જાહેર થયું છે.

રાજ્યમાં શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 1.47 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ A (ગણિત)માં 49650 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી જેમાંથી 49,349 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. ત્યારે વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ B (જીવવિજ્ઞાન)માં 75,016 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી. જેમાંથી 74,483 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે ગુજરાતી માધ્યમનું 71.90 ટકા પરિણામ જાહેર થયું હતું. જ્યારે અંગ્રેજી માધ્યમનું 75.13 ટકા અને હિન્દી માધ્યમનું 65.13 ટકા પરિણામ જાહેર થયું હતું. રાજ્યની કુલ 35 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. ધો-12 વિજ્ઞાનપ્રવાહમાં 71.83 ટકા છોકરાઓ અને 72.01 ટકા છોકરીઓ પાસ થતા ફરી એકવાર બોર્ડના પરિણામમાં છોકરીઓએ મેદાન માર્યું છે.

ડાંગ સૌથી ઓછા 310 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે પોરબંદરમાં 606 જ્યારે દેવભુમી દ્વારકામાં 470 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આવી જ રીતે અમદાવાદ શહેરમાં 10,341 અને અમદાવાદ ગ્રામ્યમાં 7,420 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા બેઠા હતા. સુરતમાંથી 17,229, રાજકોટમાંથી 10,283, વડોદરામાંથી 8,358 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી. ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ સાથે 254, A2 ગ્રેડ સાથે 3690, B1 ગ્રેડ સાથે 9828, B2 ગ્રેડ સાથે 16630, C1 ગ્રેડ સાથે 24550 અને C2 ગ્રેડ સાથે 27575 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.