Site icon Revoi.in

અમદાવાદમાં બાળકોની મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં આગ

Social Share

અમદાવાદઃ શહેરના પરિમલ ગાર્ડન પાસે આવેલી બાળકોની મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. હોસ્પિટલની કેન્ટીનમાં ગેર સિલિન્ડર ફાટતા આગ લાગી હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર શહેરના પરિમલ ગાર્ડન પાસે બાળકોની જાણીતી મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં બાળકોની સારવાર ચાલી રહી છે. દરમિયાન હોસ્પિટલના ચોથા માળે અચાનક આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં જ વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવને પગલે દોડધામ મચી ગઈ હતી. બીજી તરફ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકો અને સ્ટાફને સહિસલામત બહાર કાઢવામાં આવ્યો હતો. તેમજ બાળકોને નજીકમાં આવેલી એક જગ્યા પર રાખીને તેમની સારવાર ચાલુ રાખવામાં આવી હતી.

હોસ્પિટલમાં આગ લાગતા સારવાર લેતા બાળકોના ચિંતાતુર પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમજ પોતાના સંતાનોને સહિસલામત જોઈને રાહતનો શ્વાસ લીધો હતો. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડનો કાફલો પણ તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયો હતો. ફાયરબ્રિગેડના ચાર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તેમને બાળકોને સારવાર અર્થે તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં 15 દિવસના એક બાળકની પણ સારવાર ચાલતી હતી.

આ બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. હોસ્પિટલની કેન્ટીનમાં ગેસનો બાટલો ફાટતા આગ લાગી હોવાનું જાણવા મળે છે. પોલીસે અને ફાયરબ્રિગેડે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ આરંભી હતી.