અમદાવાદઃ શહેરના કુબેરનગર વિસ્તારમાં ત્રણ માળની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ કાટમાળ હટાવવાની કામગીરી આરંભી હતી. આ ઈમારત જર્જરીત હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કુબેરનગર વિસ્તારમાં એક ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. ત્રણ માળની આ ઈમારત ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી આરંભી હતી. ઈમારતના કાટમાળની નીચે 3 વ્યક્તિઓ દટાયાં હતા. ફાયરબ્રિગેડની કામગીરી દરમિયાન પ્રેમજી નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમજ બે વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. ધનશ્યાનભાઈ નામના દુકાન માલિકની બેદરકારીને કારણે આ દૂર્ઘટના સર્જાઈ હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. દુકાન માલિકે જે તે સમયે સમારકામ કરાવીને દુકાનોના પીલરને હટાવી દીધું હતું. જેથી આ ઘટના બની હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બનાવને પગલે અમદાવાદ મનપાના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. તેમજ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં અનેક જર્જરીત ઈમારતો છે. શહેરના મધ્યઝોનમાં જ અંદાજે 200 જેટલા ભયજનક મકાનો આવેલા છે. ત્યારે શહેરમાં આવા ભયજનક મકાનો અંગે મનપા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહીની માંગણી ઉઠી છે.