Site icon Revoi.in

હિંમતનગરના તસ્કરોનો તરખાટઃ બંધ મકાનમાંથી કરી લાખોની ચોરી

Social Share

હિંમતનગરઃ શહેરના પોલો ગ્રાઉન્ટ વિસ્તારમાં રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને અંદરથી રૂ. 7 લાખની રોકડ અને સોના-ચાંદીના દાગીના મળીને રૂ. 10 લાખથી વધુની મતાની ચોરી કરી હતી. સઘન પોલીસ બંદોબસ્તના દાવાઓ વચ્ચે લાખોની ચોરી થતા પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે અને પોલીસની કામગીરી સામે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પોલો ગ્રાઉન્ટ વિસ્તારમાં રહેતા ઈશાકભાઈ ચાંદનીવાલા મેડિકલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો નાનોભાઈ સોહિત મક્કા-મદીનો ગયો હોવાથી પિતા ઘરે એકલા જ હતા. જેથી રાત્રિના સમયે ઈશાકભાઈ અને તેમનો પરિવાર પિતા પાસે ગયો હતો. દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવીને અંદરથી લાખોની ચોરી કરી હતી.

બીજા દિવસે વહેલી સવારે ઈશાકભાઈની પત્ની અને પુત્ર ઘરે આવતા ઘરનો સામાન વેરવિખેર જોઈને ચોંકી ઉઠ્યાં હતા. તેમજ પોલીસ અને પતિને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. મક્કા-મદીના જતા પહેલા સોહિતભાઈએ મોટાભાઈને રૂ. છ લાખની રોકડ આપી હતી. તસ્કરોએ મકાનમાંથી રૂ. 7 લાખની રોકડ અને સોના-ચાંદીના દાગીના મળીને રૂ. 10 લાખથી વધુની મતાનો હાથ ફેરો કર્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને એફએસએલ અને ડોગસ્કવોડની મદદથી ઘરફોડિયાઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી હતી.