વડોદરાઃ નર્મદા નદીના કિનારે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાપર્ણ કરાયાના છ મહિનાના સમયગાળામાં લગભગ 14 લાખ જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને લગભગ રૂ. 34 કરોડની માતબર રકમની આવક થઇ છે. સરદાર પટેલની પ્રતિમાને નિહાળવા માટે દરરોજ સરેરાશ 15 હજારથી વધુ પ્રવાસીઓ નર્મદા આવે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર નર્મદા નદીના કિનારે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સરદાર પટેલ જંયતિ એટલે કે 31મી ઓક્ટોમ્બર 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લુ મુકાયા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સરદાર સાહેબની વિશાળ પ્રતિમાને નિહાળવા આવે છે. એક અંદાજ અનુસાર દરરોજ સરેરાશ 15 હજાર લોકો પ્રતિમાને નિહાળવા નર્મદા આવે છે.
31 એપ્રિલ 2019 સુધીમાં લગભગ 14 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને આ 6 મહિનામાં 34.48 કરોડ આવક થઇ છે. નવેમ્બર 2018માં 3.78 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. તેમજ 6 .47કરોડની આવક થઈ હતી. આવી જ રીતે ડિસેમ્બર મહિનામાં 2.50 લાખ પ્રવાસીઓ મુલાકાત લીધી હતી અને 5.70 કરોડની આવક થઈ હતી.
જાન્યુઆરી 2019માં 2.83 કરોડ પ્રવાસીઓએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નિહાળી હતી અને તંત્રને 7 કરોડની આવક થઈ હતી. જ્યારે ફેબ્રુઆરીમાં 2.10 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી અને વહીવટી તંત્રને 5.88 કરોડની આવક થઈ હતી. માર્ચ મહિનામાં 2 લાખ પ્રવાસીઓએ નર્મદા આવ્યા હતા અને સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 5.23 કરોડની આવક થઈ હતી. જ્યારે એપ્રિલ 2019માં 4.45 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને તંત્રને 8 કરોડની આવક થઈ હતી.
રાજ્યની સ્કૂલ અને કોલેજમાં હાલ ઉનાળાનું વેકેશન ચાલતુ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા આવે છે. તેમજ આગામી દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શકયતા છે. પ્રવાસીઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.