Site icon Revoi.in

વિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ અધ્યક્ષ વિષ્ણુ હરિ ડાલમિયાનું નિધન

Social Share

રામમંદિર આંદોલનના વધુ એક અગ્રણી પવિત્ર રામજન્મભૂમિ સ્થાન પર ભવ્ય રામમંદિર નિર્માણ જોયા વગર દુનિયા છોડી ગયા…

વિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ અધ્યક્ષ વિષ્ણુ હરિ ડાલમિયાનું નિધન આજે નિધન થયું છે. રામજન્મભૂમિ આંદોલનના મુખ્ય નેતાઓમાં સામેલ ડાલમિયા 91 વર્ષના હતા. તેમણે બુધવારે સવારે આખરી શ્વાસ લીધો છે. વિશ્વ હિંદુ પરિષદના વરિષ્ઠ સલાહકાર વિષ્ણુ હરિ ડાલમિયા લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા.

વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલે જણાવ્યુ છે કે ડાલમિયાનો પાર્થિવ દેહ બુધવારે સાંજે ત્રણ વાગ્યા સુધી નવી દિલ્હી ખાતેના તેમના નિવાસસ્થાન 18 ગોલ્ફ લિંગ પર રાખવામાં આવશે. બાદમાં 4-30 કલાકે તેમનો દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ડાલમિયા 1979માં વિશ્વ હિંદુ પરિષદ સાથે જોડાયા હતા અને તેઓ સંગઠનના ઉપાધ્યક્ષ તથા કાર્યાધ્યક્ષના પદ પર જવાબદારી સંભાળ્યા બાદ 2005 સુધી વીએચપીના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યા હતા.

શ્રીકૃષ્ણ જન્મસ્થાન ટ્રસ્ટ હેઠળ શ્રીકૃષ્ણ જન્મસ્થાન પરિસર સાથે જોડાયેલા તમામ મંદિરોનો વહીવટ સંભાળનારા શ્રીકૃષ્ણ સેવા સંસ્થાનના સચિવ કપિલ શર્માએ કહ્યુ છે કે વિષ્ણુ હરિ ડાલમિયાને 22 ડિસેમ્બરે સવારે એપોલો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમની ગંભીર સ્થિતિને જોતા આઈસીયૂમાં રાખવામાં આવ્યા હતા. અપોલો હોસ્પિટલના તબીબો મુજબ, ડાલમિયાને ઓક્સિજનની અછતને કારણે ફેંફસામાંથી કફ નીકળવામાં અક્ષમતા જેવી ગંભીર સમસ્યાઓ હતી. મહત્વપૂર્ણ છે કે ડાલમિયા શ્રીકૃષ્ણ જન્મસ્થાન ટ્રસ્ટના લાંબા સમય સુધી મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પણ રહ્યા હતા.

શ્રીકૃષ્ણ સેવા સંસ્થાનના સચિવ કપિલ શર્માએ જણાવ્યુ છે કે ડાલમિયાને તેમની ઈચ્છા મુજબ 1મી જાન્યુઆરએ તેમના ગોલ્ફ લિંક રોડ ખાતેના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા. બાદમાં તબીબોએ ત્યાં આઈસીયૂની વ્યવસ્થા ઉભી કરી હતી અને તેમની સારવાર કરી રહ્યા હતા. જો કે બાદમાં બુધવારે સવારે નવ વાગ્યે અને 38 મિનિટે તેમનું શ્વાસ સંબંધિત મુશ્કેલીઓને કારણે નિધન થયું હતું.

91 વર્ષીય વિષ્ણુ હરિ ડાલમિયા અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા 90ના દશકમાં ચલાવવામાં આવેલા રામમંદિર આંદોલનના અગ્રણી નેતા હતા. 6 ડિસેમ્બર-1992ના રોજ બાબરી ધ્વસ્ત કરવાના મામલામાં તેમને પણ સહઆરોપી બનાવવામાં આવ્યા હતા.