Site icon Revoi.in

વર્લ્ડ બેંકના ચીફની દોડમાં પ્રભાવશાળી ભારતીય મહિલા પણ સામેલ

Social Share

વર્લ્ડ બેંકના અધ્યક્ષ પદની દોડમાં પેપ્સિકોના ભૂતપૂર્વ સીઈઓ ઈન્દિરા નૂઈ પણ સામેલ થઈ ગયા છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, વ્હાઈટ હાઉસ આ પદ માટે ઈન્દિરા નૂઈના નામ પર પણ વિચારણા કરી રહ્યું છે. વિશ્વ બેંકના હાલના અધ્યક્ષ જિમ યોંગ કિમે જાન્યુઆરી માસની શરૂઆતમાં જ જણાવ્યુ હતુ કે તેઓ ફેબ્રુઆરીમાં પોતાનું પદ છોડી દેશે. તેમની આ ઘોષણા બાદથી જ વિશ્વ બેન્કના નવા અધ્યક્ષની શોધખોળ શરૂ કરવામાં આવી છે. વર્લ્ડ બેન્કના અધ્યક્ષ પદને છોડયા બાદ યોંગ કિમ એક ઈન્વેસ્ટમેન્ટ ફર્મ સાથે જોડાવાના છે.

ઈવાંકા ટ્રમ્પની પસંદ છે ઈન્દિરા નૂઈ

ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઈવાંકાએ ઈન્દિરા નૂઈને પ્રશાસનિક સહયોગી સિવાય માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા છે. મહત્વપૂર્ણ છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઈવાંકા ટ્રમ્પ વર્લ્ડ બેંકના નવા અધ્યક્ષની પસંદગીમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. હાલ આ પસંદગીની પ્રક્રિયા તેના પ્રારંભિક તબક્કામાં છે. સામાન્ય રીતે આવા મહત્વના પદો માટે નામાંકન પર આખરી નિર્ણય થવા સુધીમાં પ્રારંભિક દાવેદાર દોડમાંથી બહાર ફેંકાઈ જતા હોય છે. જો કે અત્યાર સુધી આ સ્પષ્ટ થઈ શક્યું નથી કે જો આ પદ માટે ઈન્દિરા નૂઈનું નામાંકન થશે, તો તેને સ્વીકારવામાં આવશે કે નહીં.

કોણ છે ઈન્દિરા નૂઈ ?

ચેન્નઈમાં જન્મેલી 63 વર્ષીય ઈન્દિરા નૂઈને ભારતની શક્તિશાળી મહિલાઓમાંથી એક માનવામાં આવે છે. ઘણી કંપનીઓમાં કામ કર્યા બાદ 1994માં ઈન્દિરા નૂઈ પેપ્સિકોમાં જોડાયા હતા. તો 2006માં તેમણે કંપનીની કમાન સંભાળી હતી અને બાદમાં પેપ્સિકોના શેરમાં 78 ટકા સુધીનો વધારો થઈ ચુક્યો છે. તેમણે 12 વર્ષ સુધી પેપ્સિકોની કમાન સંભાળ્યા બાદ ગત વર્ષ ઓગસ્ટમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. દુનિયાના ચર્ચિત મેગેઝીન ફોર્બ્સની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં ઈન્દિરા નૂઈને ઘણીવાર સ્થાન મળી ચુક્યું છે. 2017માં ઈન્દિરા નૂઈ આ યાદીમાં 11મા ક્રમાંકે હતા. 2007માં તેમને ભારતનું પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સમ્માન પદ્મભૂષણ પણ એનાયત કરવામાં આવ્યું હતું.

ઈવાંકા ટ્રમ્પનું નામ પણ ચર્ચામાં

વર્લ્ડ બેંકના અધ્યક્ષ પદ માટે ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઈવાંકાનું નામ પણ ચર્ચામાં હતું. પરંતુ ગત સોમવારે વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આવી અટકળોને રદિયો આપતા કહેવામાં આવ્યું હતું કે તેઓ અમેરિકાની નામાંકન પ્રક્રિયાના પ્રબંધનમાં મદદ કરશે, કારણ કે તેમણે બે વર્ષોમાં વિશ્વ બેંકના નેતૃત્વ સાથે ઘનિષ્ઠતાથી કામ કર્યું છે.

વિશ્વ બેંકના અધ્યક્ષ પદ માટે અમેરિકાના હસ્તક્ષેપનું કારણ

વિશ્વ બેંકના અધ્યક્ષ પદ માટે અમેરિકાની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ છે. વર્લ્ડ બેંકના સૌથી મોટા શેરધારક હોવાને કારણે અમેરિકા વૈશ્વિક પ્રતિષ્ઠાનના અધ્યક્ષની નિમણૂક કરે છે. વર્લ્ડ બેંકના હાલના અધ્યક્ષ જિમ યોંગ કિમને 2012માં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ પદનામિત કર્યા હતા. આ પહેલીવાર છે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાનીમાં વર્લ્ડ બેંકના અધ્યક્ષની પસંદગી થશે. મહત્વપૂર્ણ છે કે યુરોપિયન દેશો ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે આઈએમએફના અધ્યક્ષની પસંદગી કરે છે.