Site icon Revoi.in

વર્માને હટાવાયા બાદ 24 જાન્યુઆરીએ સિલેક્શન પેનલ કરશે સીબીઆઈના નવા નિદેશકની પસંદગી

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સિલેક્શન કમિટીની 24 જાન્યુઆરીએ બેઠક થવાની છે. આ બેઠકમાં નવા સીબીઆઈ નિદેશકની પસંદગી બાબતે નિર્ણય થશે.

આલોક વર્માને સીબીઆઈના નિદેશક પદ પરથી હટાવવામાં આવ્યા બાદ કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ (ડીઓપીટી)એ તપાસ એજન્સીના નવા નિદેશકની તલાશ શરૂ કરી દીધી હતી. વિભાગ મહાનિદેશક સ્તરના દશ આઈપીએસ અધિકારીઓમાંથી પોતાની આખરી સંક્ષિપ્ત યાદી બનાવવવાની કવાયતમાં લાગી ગયું છે.

સૂત્રો મુજબ, સીબીઆઈ નિદેશક પદની દોડમાં 1985ની બેચના આઈપીએસ અધિકારી અને મુંબઈ પોલીસ કમિશનર સુબોધકુમાર જયસવાલ, યુપીના પોલીસ મહાનિદેશક ઓ. પી. સિંહ અને એનઆઈએના પ્રમુખ વાઈ. સી. મોદીના નામ આગળ ચાલી રહ્યા છે. ડીઓપીટી દ્વારા લગભગ ત્રણથી ચાર અધિકારીઓના નામ સીબીઆઈ નિદેશક પદ માટે પસંદ કરાયા બાદ તેમને પસંદગી સમિતિ પાસે મોકલવામાં આવશે.

ત્રણ સદસ્યની પસંદગી સમિતિમાં વડાપ્રધાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ અને લોકસભામાં કોંગ્રેસના નેતા સામેલ છે. આ પસંદગી સમિતિ બે વર્ષના કાર્યકાળ માટે વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી સંક્ષિપ્ત યાદીમાંથી સીબીઆઈના નવા નિદેશકની પસંદગી સંદર્ભે આખરી નિર્ણય કરશે. આલોક વર્માનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ સમાપ્ત થવાનો હતો. નવા નામ પર નિર્ણયની ઘોષણા જાન્યુઆરી માસના આખરી સપ્તાહ પહેલા અથવા આખરી સપ્તાહમાં થવાની શક્યતા છે.