Site icon Revoi.in

લોકસભા ચૂંટણી 2019: ચૂંટણી લડી રહેલા સાંસદોની મિલ્કત 41 ટકા સુધી વધી, મેદાનમાં 1500 કલંકીત ઉમેદવાર

Social Share

નવી દિલ્હી: સંસદમાં દેશના વિકાસને લઈને ભલે દાવા-પ્રતિદાવાઓની રડારોળ ચાલતી હોય. પરંતુ તસવીરનું બીજું પાસું એવું પણ છે કે સાંસદોની મિલ્કત ગત પાંચ વર્ષમાં 41 ટકા સુધી વધી ચુકી છે. આ વધારામાં તમામ પક્ષના સાંસદો સામેલ છે. ખાસ વાત એ છે કે આ દરમિયાન દેશના આર્થિક વિકાસનો દર મહત્તમ 8.2 ટકા રહ્યો છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ – એડીઆરના રિપોર્ટ પ્રમાણે, લોકસભાની ચૂંટણી લડી રહેલા 338માંથી 335 પ્રવર્તમાન સાંસદોની સરેરાશ મિલ્કત 23.65 કરોડ રૂપિયા છે. 2014માં આ આંકડો 16.79 કરોડ રૂપિયા હતો. એટલે કે પાંચ વર્ષમાં સાંસદોની સરેરાશ મિલ્કત 6.86 કરોડ રૂપિયા વધી છે.

એડીઆરે 17મી લોકસભા ચૂંટણીના 8049માંથી 7928 ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કર્યું છે. તેમા 29 ટકા ઉમેદવારોની મિલ્કત એક કરોડ રૂપિયાથી વધારે છે. ભાજપના 79 ટકા, કોંગ્રેસના 71 ટકા ઉમેદવારો કરોડપતિ છે. બીએસપીના 17 ટકા અને સમાજવાદી પાર્ટીના આઠ ટકા ઉમેદવારો કરોડપતિ છે.

લોકસભા ચૂંટણીમાં 19 ટકા એટલે કે 1500 દાગી ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. 2014માં 17 ટકા એટલે કે 1404 ઉમેદવારોએ પોતાની ઉપર ગુનાહીત મામલા નોંધાવવાને લઈને જાણકારી આપી હતી.

1070 ઉમેદવારો પર દુષ્કર્મ, હત્યા, અપહરણ, મહિલાઓ વિરુદ્ધ અપરાધ જેવા ગંભીર કેસ નોંધાયેલા છે. 2014માં 8205 ઉમેદવારોમાંથી 908 એટલે કે 11 ટકા પર કેસ હતા.

ભાજપે 175 અને કોંગ્રેસે 164 દાગી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. બીએસપીએ 85 દાગી ઉમેદવારોને ટિકિટ આપી છે.