Site icon Revoi.in

રાજ્યમાં 38 લાખ જૂના વાહનોને હાઈસિક્યોરિટી નંબર પ્લેટ લગાવાઈ

Social Share

ગાંધીનગરઃ રાજ્યના માર્ગો ઉપર દોડતા જૂના વાહનોમાં હાઈસિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) ફરજીયાત કરવામાં આવતા અત્યાર સુધીમાં લગભગ 38 લાખ જેટલા જૂના વાહનોને હાઈસિક્યોરિટી નંબર પ્લેટ ફીટ કરવામાં આવી છે. તેમજ હજુ મોટી સંખ્યામાં જૂના વાહનોને નવી નંબર પ્લેટ ફીટ કરવાની બાકી હોવાથી મુદતમાં તા. 31મી મે સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ત્યાર બાદ જો મુદતમાં ફરી વધારો ન કરવામાં આવે તો માર્ગ ઉપર જૂની નંબર પ્લેટ લગાવીને ફરતા વાહનના ચાલકો પાસેથી દંડ વસુલવામાં આવશે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં માર્ગો ઉપર દોડતા જૂના વાહનોમાં હાઈસિક્યોરિટી નંબર પ્લેટ લગાવવાનો નિયમ અમુલમાં મુક્યો છે. તેમજ તેની મુદતમાં પણ અનેક વખત વધારો કરવામાં આવ્યો છે. આ દરમિયાન ફેબ્રુઆરી 2019 સુધીમાં રાજ્યમાં લગભગ 36.87 લાખ વાહનોમાં નવી નંબર પ્લેટ ફીટ કરવામાં આવી હતી. જ્યારે માર્ચ મહિનામાં 68 હજાર વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ ફીટ કરવામાં આવી હતી. એપ્રિલ મહિનામાં માત્ર 44 હજાર વાહનોને નવી નંબર પ્લેટ ફીટ કરાઈ હતી. આમ અત્યાર સુધીમાં લગભગ 38 લાખ વાહનોમાં હાઈસિક્યોરિટી નંબર પ્લેટ લગાવાઈ છે.

અમદાવાદ જિલ્લાની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં સુભાષબ્રિજ આરટીઓમાં 4.90 લાખ વાહનો અને વસ્ત્રાલ આરટીઓમાં 1.17 લાખ વાહનોમાં HSRP ફીટ કરાઈ છે. જ્યારે બાવળામાં માત્ર 20 હજાર હાઈસિક્યોરિટી નંબર પ્લેટ લગાવવામાં આવી છે. આમ અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6.28 લાખથી વધુમાં વાહનોમાં નવી નંબર પ્લેટ લગાવવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટમાં 3.43 લાખ, સુરતમાં 4.01 અને વડોદરામાં 3.16 લાખ વાહનોમાં હાઈસિક્યોરિટી નંબર પ્લેટ ફીટ કરવામાં આવી છે. રાજ્યના માર્ગો ઉપર હજુ પણ મોટી સંખ્યામાં જૂની નંબર પ્લેટ સાથે વાહનો ફરી રહ્યાં છે. જેથી હાઈસિક્યોરિટી ફીટ કરાનાર વાહનોની સંખ્યામાં આગામી દિવસોમાં વધારો થવાની શકયતા છે.