Site icon Revoi.in

બળાત્કારી નારાયણ સાંઈ હવે જેલમાં ઘાસ કાપવાનું કામ કરશે

Social Share

સુરતઃ શહેરના જહાંગીરપુરા સ્થિત આશ્રમમાં સાધિકા પર દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવતા નારાયણ સાંઈને જેલમાં ઘાસ કાપવાનું કામ સોંપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આસારામ પુત્ર નારાયણ સાંઈએ કોઈ કામ પસંદ નહીં કરતા જેલ તંત્ર દ્વારા તેમને આ કામ સોંપવામાં આવ્યું છે. બળાત્કાર કેસમાં સજા બાદ નારાયણ સાંઈ કાચા કામના કેદીમાંથી પાકા કામના કેદી બની ગયા છે તેમજ તેમને સુરતના લાજપોર જેલમાં પેરેક સી-6માં કેદી નંબર 1750 તરીકે રાખવામાં આવ્યા છે.

આસારામ સામે અમદાવાદમાં અને તેમના પુત્ર નારાયણ સાંઈ સામે સુરતમાં બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. સુરતના જહાંગીરપુરા આશ્રમમાં સેવિકા ઉપર બળાત્કાર ગુજારવાના ગુનામાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. સાંઈ સામે કોર્ટમાં કેસ ચાલી જતા સુનાવણીના અંતે અદાલતે આજીવન કેદની સજા ફરમાવી હતી. તેમજ મદદગારીના ગુનામાં હનુમાન, ગંગા અને જમુનાને પણ કસુરવાર ઠરાવીને કોર્ટે સજા ફરમાવી હતી. સજા બાદ કાચા કામના કેદીમાંથી પાકા કામના કેદી બની ગયેલા નારાયણ સાંઈને જેલમાં કેદી નંબર 1750 આપીને બેરેક સી-6માં રાખવામાં આવ્યાં છે.

જેલના મેન્યુઅલ પ્રમાણે પાકા કામના કેદીને રોજગારી મળી રહે તે હેતુથી કામ સોંપવામાં આવે છે. જેથી નારાયણ સાંઈને કામ સોંપવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. જેમાં સાંઈએ કોઈ કામની પસંદગી નહીં કરતા અંતે જેલમાં ઘાસ કાપવાની કામગીરી સોંપવામાં આવી છે. જ્યારે કેદી નંબર 1749 હનુમાન, કેદી નંબર 1751 જમુના અને કેદી નંબર 1752 ગંગાને હજુ સુધી કોઈ કામગીરી સોંપવામાં આવી નથી. આગામી દિવસોમાં તેમને પણ કામ સોંપવામાં આવશે. જેલમાં નારાયણ સાંઈને પ્રાયોગીક ધોરણે કામગીરી સોંપવામાં આવી હોવાથી ત્રણ મહિના સુધી કોઈ વેતન આપવામાં નહીં આવે, ત્યાર બાદ તેમને દૈનિક રૂ. 70 આપવામાં આવશે. સુરતની લાજપોર જેલમાં પાકા કામના કેદી પાસે હીરા ઘસવાનું, બાગ કામ, રસોઈ, ઓફિસ કામ, લાઈબ્રેરીયન અને દવાખાનામાં તબીબ મદદનીશ તરીકે કામ કરાવવામાં આવે છે.