1. Home
  2. દેશમાં બેકારોની ફોજ કોંગ્રેસ સરકારે ઉભી કરી હોવાનો વિજય રૂપાણીનો આક્ષેપ

દેશમાં બેકારોની ફોજ કોંગ્રેસ સરકારે ઉભી કરી હોવાનો વિજય રૂપાણીનો આક્ષેપ

0

અમદાવાદઃ દેશમાં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસે બેકારોની ફોજ ઉભી કરી હોવાનો આક્ષેપ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિલ્હીના એક કાર્યક્રમમાં કર્યો હતો. તેમજ તેમણે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ઉપર પણ આકરા પ્રહાર કરીને તેમની સરકારમાં ગરીબ વર્ગ વધુ ગરબી બન્યો હોવાનું જણાવ્યું હતું.

દેશમાં લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હીમાં ગુજરાતી સમાજનો સ્નેહ મીલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, સાંસદ પૂનમ માડમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગમાં વિજય રૂપાણીએ કોંગ્રેસ અને નહેરુ-ગાંધી પરિવાર ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, દેશમાં બેકારોની ફોજ નહેરુ અને કોંગ્રેસની સરકારમાં ઉભી થઈ હતી. પંડિત નહેરુ બાદ ઈન્દિરાજી આવ્યાં હતા. ત્યારે એવુ કહેવાતું હતું કે, ઈન્દિરાજી આવશે અને ગરીબી દૂર થશે, પરંતુ ઈન્દિરા ગાંધીની સરકારમાં ગરીબો વધુ ગરીબ બન્યા હતા. તેમજ અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધારે વધ્યું હતું. એટલું જ નહીં કેન્દ્રની કોંગ્રેસ સરકારમાં એક રૂપિયા નીકળતો તેમાંથી 85 પૈસા ખવાઈ જતા હતા. તેમજ બોફોર્સ પ્રકરણમાં મિસ્ટર ક્લિન મનાતા રાજીવ ગાંધીનું પણ નામ સંડોવાયેલું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં તત્કાલિન વડાપ્રધાન અટલજીને પણ યાદ કર્યા હતા. દિલ્હીમાં લગભગ દોઢ લાખ જેટલા ગુજરાતીઓ વસવાટ કરે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં એક તરફ ચોકીદાર અને બીજી તરફ ચોરોની જમાત છે. એક તરફ રાષ્ટ્રવાદ છે અને બીજી તરફ વંશવાદ છે. જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને હવે પ્રિયંકા ગાંધી પણ રાજકારણમાં સક્રીય થયા છે. એક ચ્હાવાળો દેશનો વડાપ્રધાન બને તે કોંગ્રેસને પસંદ નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code