Site icon Revoi.in

અમદાવાદમાં ટેન્કર રાજઃ પાણીની સમસ્યા વચ્ચે ટેન્કર પાછળ એક વર્ષમાં રૂ. દોઢ કરોડથી વધુનો ખર્ચ

Social Share

અમદાવાદઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના મોટાભાગના જિલ્લાની પ્રજા પાણી માટે વલખા મારી રહી છે. રાજ્યની મેટ્રોસિટી અમદાવાદમાં પણ અનેક લોકો પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. તંત્ર દ્વારા પાણીના નેટવર્ક પાછળ કરોડનો ખર્ચ કરવા છતા લોકોને નિયમિત પાણી નહીં મળતું હોવાની ફરિયાદો ઉઠી છે. એટલું જ નહીં ટેન્કર રાજ ખતમ થઈ ગયા હોવાના દાવાઓ વચ્ચે અમદાવાદમાં અનેક વિસ્તારમાં મનપા તંત્ર દ્વારા ટેન્કર મારફતે પાણી પુરવાના પ્રયાસો થઈ રહ્યાં છે. અમદાવાદમાં મનપા તંત્રે એક વર્ષમાં ટેન્કર પાછળ રૂ. 1.58 કરોડનો ખર્ચ કર્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં મનપા તંત્ર દ્વારા પાણીના કનેકશન આપવામાં આવ્યાં છે. પરંતુ ઓછા પ્રેશરથી પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે એટલું જ નહીં અનેક વિસ્તારમાં પાણીનું નેટવર્ક નહીં હોવાથી લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. બહેરામપુરા, દાણીલીમડા, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યાં છે. જેથી મનપા તંત્ર દ્વારા ટેન્કરથી પાણી પુરુ પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. મહાનગર પાલિકાએ એક વર્ષના સમયગાળામાં બહેરામપુરા વોર્ડમાં સૌથી વધુ રૂ. 84.12 લાખના ખર્ચે ટેન્કર પુરા પાડ્યાં છે. આ ઉપરાંત પોશ ગણાતા પશ્ચિમ વિસ્તારના બોડકદેવ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, જોધપુરમાં ટેન્કર દોડવવાની ફરજ પડી હતી. બહેરામપુરા, મણિનગર, ઈન્દ્રપુરી, દાણીલીમડા અને મુક્તમપુરામાં પાણીની વિકટ સમસ્યા હોવાથી સૌથી વધારે ટેન્કર આ વોર્ડમાં દોડવવામાં આવ્યા હતા. ઉનાળાની આકરી ગરમીમાં પાણીની અછતને કારણે હવે ખાનગી ટેન્કરોની માગ વધી છે. હાલ મનપા દ્વારા શહેરના બહેરામપુરા સહિતના વિસ્તારમાં ટેન્કર મારફતે પાણી પુરુ પાડવામાં આવતું હોવાથી લોકો પાણી લેવા માટે વહેલી સવારથી લાઈન લગાવે છે. બીજી તરફ ખાનગી ટેન્કરની માગ વધતા ટેન્કર માલિકો પણ લોકો પાસેથી મનમાની પૂર્વક નાણા પડાવી રહ્યાં છે.