અમદાવાદઃ રાજ્યમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. ત્યારે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની લીરે લીરા ઉડાડતી ઘટના સામે આવી છે. બાવળામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સરાજાહેર પ્રેમિકાને છરીના ઘા મારીને રહેંશી નાખી હતી. યુવતી પર હુમલો કરીને પ્રેમી યુવાન ફરાર થઈ ગયો હતો. હત્યાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જયાં સુધી હત્યારો ન પકડાય ત્યાં સુધી યુવતીનો મૃતદેહ સ્વિકારવાનો પરિવારજનોએ ઈન્કાર કરતા પોલીસ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેર નજીક આવેલા બાવળામાં બસ સ્ટેન્ડ પાસેથી મિતલ જાવદ નામની યુવતી બહેન સાથે પસાર થતી હતી ત્યારે કેતન વાઘેલા સહિત 3 લોકો મોટરસાઈકલ પર આવ્યા હતા. તેમજ મિતલને બળજબરીથી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, યુવતીએ જવાનો ઈન્કાર કરીને પ્રતિકાર કરતા કેતને પોતાની પાસે રહેલી છરી વડે તેની ઉપર હુમલો કર્યો હતો. ત્યાર બાદ કેતન અને તેના બે સાગરિતો ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હુમલામાં ગંભીર રીતે ઘાયલ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી. ત્યાં પણ આરોપી કેતન ઘસી ગયો હતો અને મિતલના પિતા અને ભાઈ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જો કે, યુવતીનો ભાઈ તેને પકડવા પાછળ દોડતા આરોપી ફરાર થઈ ગયો હતો. યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા તજવીજ આરંભી હતી.
મૃતક યુવતીની આગામી તા. 26મી મેના રોજ રાજકોટમાં લગ્ન હતા. કેતન યુવતીને એક તરફી પ્રેમ કરતો હતો અને તેના લગ્ન નક્કી થઈ જતા નારાજ પ્રેમીએ તેની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. પરિવારજનોએ જ્યાં સુધી આરોપી ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કર્યો છે.